રણદીપ હૂડાનું માનવું છે કે સિનેમાના માધ્યમ થી દેશની પરંપરા, ઇતિહાસ અને વિચારધારાને દેખાડી શકાય છે. સ્વાતંય વીર સાવરકરના બલિદાનને દેખાડતી ફિલ્મ ’સ્વાતંય વીર સાવરકર’ તેણે ડિરેક્ટ કરી છે. સાથે જ વીર સાવરકરનો રોલ પણ તેણે કર્યો છે. આ ફિલ્મ બનાવવા માટે તેણે પોતાની સંપત્તિ પણ ગીરવી રાખી હતી. હવે તેણે ધીમે-ધીમે એ સંપત્તિ છોડાવવાનું નક્કી કર્યું છે.
તેને પૂછવામાં આવ્યું હતું કે શું તે કદી રાજકારણમાં આવવાનો છે? તો એનો જવાબ આપતાં રણદીપ કહે છે, ‘હું અનેક વર્ષોથી ફિલ્મોમાં બિઝી છું. રાજકારણ પણ એક કરીઅર જેવું છે જેનાથી તમને લોકોની સેવા કરવાની તક મળે છે. મારી અંદર હજી ઘણુંબધું સિનેમા છે. હું હમણાં તો ડિરેક્ટર બન્યો છું. મારો રસ ફિલ્મોમાં છે. સિનેમા પણ એક પ્રકારે દેશની વિચારાધારા, સંસ્કૃતિ અને ઇતિહાસને સમજવાનું સચોટ અને અગત્યનું માધ્યમ છે.’