ચંદીગઢ એરપોર્ટ પર પ્રખ્યાત અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતને થપ્પડ મારવાના મામલામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનું પહેલું નિવેદન સામે આવ્યું છે. કંગના રનૌતને ખરેખર એરપોર્ટ પર સીઆઇએસએફ જવાન કુલવિંદર કૌરે થપ્પડ મારી હતી.
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું છે કે કંગના રનૌત દ્વારા આપવામાં આવેલા અગાઉના નિવેદનોને કારણે યુવતી ગુસ્સામાં હતી જેના કારણે તેણે આવું પગલું ભર્યું હતું. જો કે, આવું ન થવું જોઈતું હતું. થપ્પડ માર્યા બાદ કંગનાએ કહ્યું હતું કે પંજાબમાં આતંકવાદ વધી રહ્યો છે. ભગવંત માને કહ્યું કે એક મોટું વ્યક્તિત્વ હોવાના કારણે આ ઘટનાના જવાબમાં સમગ્ર પંજાબને આતંકવાદી કહેવું ખોટું છે. આ એ જ પંજાબ છે જેણે આખા દેશને ખવડાવ્યું છે.
આજે પણ પંજાબ સમગ્ર દેશને ઘઉં અને ચોખાની સપ્લાય કરે છે. આજે પણ પંજાબીઓ દેશની સરહદોનું રક્ષણ કરી રહ્યા છે. માને કહ્યું કે જો ખેડૂતો હડતાળ પર બેસે તો તેમને આતંકવાદી અથવા અલગતાવાદી કહેવામાં આવે છે, જે સંપૂર્ણપણે ખોટું છે.
પંજાબમાં લોક્સભા ચૂંટણીમાં ૩ સીટો મળવા પર ભગવંત માને પણ પ્રતિક્રિયા આપી છે. ભગવંત માને કહ્યું છે કે ગત ચૂંટણીની સરખામણીમાં અમારા વોટમાં વધારો થયો છે. ૨૦૧૯માં અમને માત્ર એક સીટ મળી હતી પરંતુ હવે અમારી પાસે ૩ સીટ છે. માને વધુમાં કહ્યું કે જે પણ ભૂલ થઈ હશે, અમે તેને સુધારી લઈશું.