રમઝાન પહેલા દેશમાં મુસ્લિમોને ’બખ્ખાં’, મળી મદરેસા-મસ્જિદ બનાવવાની છૂટ

લંડન, બ્રિટનમાં ૠષિ સુનક સરકારે બ્રિટિશ મુસ્લિમો માટે આગામી ૪ વર્ષ માટે ૧૧૭ મિલિયન પાઉન્ડથી વધુના સુરક્ષા ભંડોળની જાહેરાત કરી છે. રમઝાનના પ્રથમ ઉપવાસ પર સોમવારે જાહેરાત કરતા સરકારે કહ્યું કે આગામી ચાર વર્ષમાં મુસ્લિમોની સુરક્ષા માટે આ રકમ આપવામાં આવશે.આમાં મુસ્લિમ વિરોધી નફરતના અપરાધોનો સામનો કરવા માટે મસ્જિદો, મુસ્લિમ આસ્થાની શાળાઓ અને અન્ય સમુદાય કેન્દ્રોનું રક્ષણ કરવાનો સમાવેશ થાય છે.

સરકારે જણાવ્યું છે કે દેશમાં વધતા કટ્ટરપંથી જોખમો ના જવાબમાં લોકશાહી પ્રક્રિયાઓ અને સંસ્થાઓને સુરક્ષિત કરવા માટે અંદાજે ૩૧ મિલિયન જીબીપી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમાં મસ્જિદોમાં સીસીટીવી અને એલાર્મ સિસ્ટમ્સ, મુસ્લિમ આસ્થાના સમુદાય કેન્દ્રો અને મદરેસાઓમાં સુરક્ષિત પરિઘ વાડની સ્થાપના જેવી તકનીકનો સમાવેશ થશે. બ્રિટનના હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ જાહેર કર્યું છે કે, ’આપણા સમાજમાં મુસ્લિમ વિરોધી દ્વેષ કે નફરત માટે કોઈ સ્થાન નથી. અમે મિડલ ઈસ્ટની ઘટનાઓને બ્રિટિશ મુસ્લિમો વિરુદ્ધ દુર્વ્યવહારમાં ન્યાયી ઠેરવવાના બહાને ઉપયોગમાં લેવાનું ચલાવી નહિ લઈએ.

તેમણે વધુમાં કહ્યું, ’પ્રધાનમંત્રી ૠષિ સુનકે સ્પષ્ટ કર્યું છે કે અમે બ્રિટનના મુસ્લિમોની સાથે ઊભા છીએ. એટલા માટે અમે આ ભંડોળ માટે પ્રતિબદ્ધ છીએ, બ્રિટનના મુસ્લિમોને એવા સમયે આશ્ર્વાસન અને વિશ્ર્વાસ પ્રદાન કરીએ છીએ જ્યારે તેની સૌથી વધુ જરૂર છે યુકે સરકારે કહ્યું કે તે મુસ્લિમ વિરોધી અને યહૂદી વિરોધી નફરતમાં તાજેતરના વધારાની નિંદા કરે છે.

ગૃહ કાર્યાલયે કહ્યું જણાવ્યું છે કે ’મંત્રીઓએ આ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આશા રાખે છે કે પોલીસ તમામ અપ્રિય અપરાધોની સંપૂર્ણ તપાસ કરશે અને સીપીએસની સાથે કામ કરશે જેથી સુનિશ્ર્ચિત કરી શકાય કે આ ભયાનક અપરાધો કરનાર કાયરોને કાયદાની શક્તિનો અનુભવ થાય.