
ઇસ્લામાબાદ, રમજાનના મહિના દરમિયાન પાકિસ્તાનના નાના શહેરો અને ગામો છોડીને ભિખારી કરાચી તરફ વળ્યા છે. કરાચીમાં ભિખારીઓની સંખ્યા વધી જતાં સર્જાયેલી અરાજક્તા વચ્ચે અપરાધનો ગ્રાફ પણ ઊંચો ગયો છે.
કરાચીના પોલીસ અધિકારી ઇમરાન યાકૂબ મિન્હાસે આ ચિંતાજનક સ્થિતિ પર પ્રકાશ પાડયો હતો. તેમણે કહ્યું હતું કે ઈદ સુધીમાં ત્રણથી ચાર લાખ ભિખારી કરાચી પહોંચે છે. તેને કારણે કરાચી શહેર ભિખારીઓ અને અપરાધીઓનો અડ્ડો બની ગયું છે. પરંપપરાગત સાધનોથી અપરાધો પર નજર રાખવી મુશ્કેલ બની જતાં અધિકારીઓને સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરવામાં આવી છે. કરાચીમાં પ્રવર્તી રહેલી સ્થિતિનો અંદાજ એ વાતે આવી શકે તેમ છે કે રમજાન દરમિયાન સર્જાયેલી અપરાધીક ઘટનાઓએ ૧૯ લોકોનો ભોગ લીધો છે. સ્થિતિ એટલી કથળી ચૂકી છે કે કરાચીમાં એક મહિનામાં શાંતિ અને વ્યવસ્થા બહાલ કરવા સિંધ હાઇકોર્ટને અધિકારીઓને મહેતલ આપવી પડી. ન્યાયમૂત અબ્બાસીએ અધિકારીઓને સ્પષ્ટપણે કહ્યું કે શાંતિભંગની પ્રક્રિયામાં સામેલ પ્રભાવશાળી વ્યક્તિ સામે પણ નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવે. કોર્ટે અધિકારીઓ પાસેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર એક વ્યાપક અહેવાલ માંગ્યો છે. સ્થિતિની ગંભીરતાનો સ્વીકાર કરતાં સિંધના ડીજીપી ગુલામનબી મેમને કહ્યું હતું કે રસ્તાઓ અને શેરીઓમાં થઈ રહેલા અપરાધોને જોતાં કરાચીમાં શાંતિ અને વ્યવસ્થા બહાલ કરવી તે બાબત પડકારરૂપ છે. ડીજીપીએ સિંધ હાઇકોર્ટને આશ્ર્વાસન આપ્યું છે કે પોલીસ ટૂંક્સમયમાં અપરાધોને નિયંત્રિત કરશે.