રામોલ બ્રિજ પાસેથી ૧૫.૩૦ લાખની બનાવટી ચલણી નોટો સાથે ૩ ઝડપાયા

સીઆડી ક્રાઈમ ગાંધીનગરની ટીમે માહિતીને આધારે રામોલ બ્રિજ પાસેતી ૩ શખ્સોની ધરપકડ કરીને તેમની પાસેથી અલગ અલગ દરની અંદાજે ૧૫.૩૦ લાખની બનાવટી ભારતીય ચલણી નોટો કબજે કરી છે.સીઆડી ક્રાઈમની ટીમને માહિતી મલી હતી કે રામોલ બ્રિજ પાસે કેટલાક શખ્સો બનાવટી ભારતીય ચલણી નોટો સાથે આવવાના છે. માહિતીને આધારે અધિકારીઓએ અહીં જાળ બિછાવી હતી.

જેમાં પોલીસે સતીશકુમાર ઉર્ફે વિક્કી હંસરાજ જીનવા, અનિલ આર.રજત અને કાલુરામ આર.મેઘવાલની ધરપકડ કરી હતી. ત્રણેય રાજસ્થાનના વતની છે. તેમની પાસેતી પોલીસે ૧૦૦, ૫૦૦ અને ૨૦૦ ના દરની બનાવટી ચલણી નોટો કબજે કરી હતી. જેની કુલ કિંમત ૧૫,૩૦,૧૦૦ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

તપાસમાં આરોપીઓએ મયપ્રદેશ ખાતે ભાડાનું મકાન રાખીને ત્યાં કલર ઝેરોક્ષ મશીનની મદદથી નકલી ચલણી નોટો બનાવી હોવાનું બહાર આવ્યું હતું. અમદાવાદમાં તેઓ આ નકલી નોટો વટાવવા આવ્યા હતા. જોકે તે પહેલા પોલીસે તેમને ઝડપી લીધા હતા. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.