
રામ નવમીની રવિવારે ઉજવણી કરાશે, જેને ધ્યાનમાં રાખી પોલીસ સજ્જ થઈ છે. પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં નીકળનારી 27 જેટલી શોભાયાત્રાને મંજૂરી આપી છે. જ્યારે 4 અન્ય કાર્યક્રમોને પણ મંજૂરી અપાઈ છે ત્યારે 2500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે.
રમજાન માસ, ઈદ અને રામ નવમીને ધ્યાનમાં રાખી પોલીસે છેલ્લા દસેક દિવસથી ફૂટ પેટ્રોલિંગ, ડ્રોનથી નિરીક્ષણ, બોમ્બ અને ડોગ સ્ક્વોડથી જાહેર સ્થળોનું ચેકિંગ શરૂ કર્યું હતું.જેમાં ચાર દરવાજા સહિતના સંવેદનશીલ વિસ્તાર અને સિટી પોલીસ મથક હદ વિસ્તારમાં ફતેપુરા અને નાગરવાડા, વાડી, ગોરવા, તાંદલજા વગેરે વિસ્તારોમાં પેટ્રોલિંગ અને શાંતિ સમિતિની બેઠક પણ યોજાઈ હતી.
રામ નવમીને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જુદા જુદા વિભાગો સાથે ગઈ કાલે અને આજે પણ બેઠક કરી હતી. તેમણે શોભાયાત્રાના બંદોબસ્ત અંગે ચર્ચા કરીને જુદી જુદી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી. શહેર પોલીસ તંત્ર દ્વારા રામ નવમીની તમામ શોભાયાત્રાના ચુસ્ત બંદોબસ્ત માટે પ્લાન તૈયાર કરાયો છે. જેમાં અસામાજિક તત્ત્વોનાં અટકાયતી પગલાંથી માંડીને તેમની પૂછપરછ કરવાનું આયોજન છે. જ્યારે અગાઉ તોફાનોમાં ઝડપાયેલા શખ્સો પર ખાસ નજર રખાશે.
વિવિધ વિસ્તારમાં હાઈ રિઝોલ્યુશન ડ્રોન મારફતે સતત નજર રખાશે પોલીસ વિભાગે જણાવ્યું છે કે, શહેરના તમામ સીસીટીવીનાં દૃશ્યોનું કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર પરથી સતત મોનિટરિંગ કરવામાં આવશે. ઉપરાંત હાઈ રિઝોલ્યુશન ડ્રોન સતત આકાશમાંથી નજર રાખશે અને કોઈ પણ ગરબડ થશે તો ત્યાં તાત્કાલિક પોલીસ કાફલો મોકલી દેવામાં આવશે.
ફતેગંજ સહિતના વિસ્તારમાં 3 શોભાયાત્રાને મંજૂરી; વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત રામ સમિતિઓએ મંજૂરી માગી હતી શહેરમાં રવિવારના રોજ આસ્થાભેર રામ નવમીની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત જુદા જુદા પોલીસ મથક વિસ્તારમાંથી 27 જેટલી શોભાયાત્રાઓને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં ફતેગંજ, રાવપુરા, જવાહરનગર, ગોરવા અને ગોત્રી વિસ્તારમાં 3 શોભાયાત્રાઓને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે કારેલીબાગમાં 2ને મંજૂરી અપાઈ છે. ઉપરાંત હરણી, સમા, બાપોદ, કુંભારવાડા, માંજલપુર, મકરપુરા, વાડી, પાણીગેટ, અકોટા, સયાજીગંજ પોલીસ મથક વિસ્તાર દીઠ એક-એક શોભાયાત્રાને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ શોભાયાત્રાઓના આયોજકો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત સ્થાનિક રામ સેવા સમિતિઓ છે.
7 ડીસીપી અને 12 એસીપી સહિત પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે રામ નવમીની શોભાયાત્રામાં 7 ડીસીપી, 12 એસીપી, 30 પીઆઇ, 85 પીએસઆઈ, ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી, એસઓજીના પોલીસ અધિકારીઓ સહિતનો સ્ટાફ, એસઆરપીની 2 કંપનીઓ, જુદા જુદા પોલીસ મથકનો સ્ટાફ, હોમગાર્ડ જવાનો સહિત 2500 ઉપરાંત અધિકારીઓ અને જવાનો હાજર રહેશે.