22 જાન્યુઆરીએ અયોધ્યાના રામમંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે પીએમ નરેન્દ્ર મોદી રામલલ્લા, શબરી અને નિષાદરાજની ટપાલટિકિટ પણ બહાર પાડશે. એની કિંમત 50 રૂપિયા હશે. વરિષ્ઠ ટપાલ-અધીક્ષક એચકે યાદવે આ માહિતી આપી છે. આ પહેલાં 5 ઓગસ્ટ, 2020ના રોજ પીએમએ રામજન્મભૂમિની પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી હતી.
પ્રાણપ્રતિષ્ઠાનો મુખ્ય કાર્યક્રમ 1 કલાક ચાલશે. આ સમગ્ર કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજર રહેશે. ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવેલા આમંત્રણકાર્ડમાં પ્રાણપ્રતિષ્ઠાનો સમય 11:30થી 12:30 આપવામાં આવ્યો છે. શુભ મુહૂર્ત 12:20 વાગ્યાનું છે. બપોરે 12.29 વાગ્યે પીએમ રામલલ્લાને દર્પણ બતાવશે.
કાર્યક્રમમાં આવનારા મહેમાનોએ આમંત્રણપત્રની સાથે આધારકાર્ડ બતાવવું રહેશે. તેમનો સામાન, મોબાઈલ અને બેગ રાખવા માટે 12 હજાર લોકર પણ બનાવવામાં આવ્યાં છે.
પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, આરએસએસ સર સંઘચાલક મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ હાજર રહેશે. સુરક્ષાનાં કારણોસર કાર્યક્રમમાં આવેલા મહેમાનોએ સવારે 11 વાગ્યા પહેલાં પોતાના સ્થાને બેસી જવું પડશે.
એન્ટ્રી પોઈન્ટ પર આમંત્રિત મહેમાનોના ફોન, કેમેરા, શૂઝ અને ચપ્પલ સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે. બહાર નીકળતી વખતે આ બધી સામગ્રી એ જ જગ્યાએ પાછી મળી જશે. સ્થળ પર જ બેઠક સ્થળોએ નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. આમંત્રણપત્ર સાથે આધારકાર્ડ પણ રાખવું પડશે.
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન 16 જાન્યુઆરીથી શરૂ થશે. 18 જાન્યુઆરીએ રામલલ્લાની પસંદ કરેલી નવી પ્રતિમાને નગરચર્યા પર લઈ જવામાં આવશે. આ નગરચર્યા 4થી 5 કિલોમીટરની હોઈ શકે છે. જોકે આ અંગે ટ્રસ્ટ દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. સુરક્ષાનાં કારણોસર મંદિર સામાન્ય ભક્તો માટે 3 દિવસ, એટલે કે 20, 21 અને 22 જાન્યુઆરીએ દર્શન માટે બંધ રહેશે.
ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને રામમંદિરમાં લગભગ 12,000 લોકર બનાવવામાં આવી રહ્યાં છે. એમાં લગભગ 1 લાખ શ્રદ્ધાળુનો સામાન રાખી શકાય છે. ટ્રસ્ટના સભ્ય ડો.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે જન સુવિધા કેન્દ્રમાં તમામ સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ થશે. સુવિધા કેન્દ્રની ટ્રાયલ 8 જાન્યુઆરીથી શરૂ થશે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુવિધા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ માટે ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. જ્યાં સુવિધા કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે ત્યાં સુરક્ષાની મજબૂત વ્યવસ્થા કરવામાં આવશે. સૌથી પહેલા અહીં આવતા મુસાફરોના સામાનને સ્કેન કરવામાં આવશે. આ માટે બૂથ પણ બનાવવામાં આવી રહ્યાં છે. સમગ્ર કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ હશે. આ ઉપરાંત જે ભક્તો પોતાનો સામાન આ લોકરમાં રાખે છે તેમના માટે અલગથી પરિવહન વ્યવસ્થા હશે.