રામજી જ્યાં જાય છે ત્યાં રાવણ ઊભા થાય, ભાજપ અને કોંગ્રેસ બન્ને મારા ચેલા : ધીરેન્દ્ર શાસ્ત્રી

  • બધા મુસ્લિમોને ભારતમાં રહેવાનો અધિકાર છે, કોઈ પણ ધર્મએ ભારત છોડવાની જરૂર નથી.

રાજકોટ, બાગેશ્ર્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી નો રાજકોટમાં બીજો દિવસ હતો દિવ્ય દરબાર પહેલાં બાબાએ રાજકોટના ધાર્મિક મંદિરોની મુલાકાત લીધી હતી. બાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં બાબાએ કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ બન્ને મારા ચેલા છે. બધા મુસ્લિમોને ભારતમાં રહેવાનો અધિકાર છે, કોઈ પણ ધર્મએ ભારત છોડવાની જરૂર નથી. હિન્દુ પર કોઈ પથ્થર ન ફેંકે તે માટે હિન્દુરાષ્ટ્રની જરૂર છે. રામજી જ્યાં જાય છે ત્યાં રાવણ ઊભા થાય છે.

કાલાવડ રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અને કાલાવડ રોડ પર જ આવેલા હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી. બપોરના ૧.૩૦ વાગ્યે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સ્વામિનારાયણ ભગવાનને જળાભિષેક કરી સંતો-મહંતો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રી એ ભગવાન સ્વામિનારાયણનાં દર્શન કર્યા છે અને સંતો-મહંતો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ સાથે હિન્દુ રાષ્ટ્ર મુદ્દે અપૂર્વમુનિ સ્વામીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે ભારત આસ્થાઓ પર વિશ્ર્વાસ ધરાવતો દેશ છે. ૮૦ કરોડ હિન્દુઓ ભારતમાં વસવાટ કરે છે. ઘણા લોકો શ્રદ્ધા તરીકે જુએ તો ઘણા લોકો અંધશ્રદ્ધા તરીકે જુએ છે. દરેક વ્યક્તિની અલગ અલગ માન્યતા હોય છે.

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી એજીચોક ખાતે હનુમાનજી મંદિર ખાતે દર્શનાર્થે ગયા હતા અને બાલાજી મંદિરની મુલાકાત લીધી હતી. આ પછી તેઓ તરત જનકલ્યાણ હોલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભોજન કરી સાંજના ફૈંઁ દરબાર યોજવામાં આવશે, જેમાં રાજકોટના અલગ અલગ સમાજના આગેવાનો અને ઉદ્યોગપતિઓ જોડાશે અને શુભેચ્છા મુલાકાત કરશે.

આજે શહેરના રેસકોર્સ મેદાન ખાતે તેમનો સાંજે ૬ વાગ્યે દિવ્ય દરબાર યોજાવાનો છે. એના માટે રાત્રિના ૩ વાગ્યાથી લઈ વહેલી સવારે ૭ વાગ્યાથી લોકો રેસકોર્સ મેદાન ખાતે આવી રહ્યા છે અને અત્યારથી દિવ્ય દરબારના સ્થળ પર બેસી ગયા છે. દિવ્ય દરબારના સ્થળે આવેલી મહિલાએ જણાવ્યું હતું કે બાબાના નજીકથી દર્શન થઈ શકે એ માટે વહેલી આવી છું. જ્યારે મધ્યપ્રદેશથી એક ભક્ત બાઇક પર રેસકોર્સ દિવ્ય દરબાર માટે આવ્યા છે. તેઓ બાઇક પરથી આવ્યા હોવાથી થાક ઉતારવા રેસકોર્સમાં જ બાઇકના છાંયે આરામ ફરમાવતા નજરે પડ્યા હતા.

રાજસ્થાનના કોટથી આવેલાં મોનિકાએ જણાવ્યું હતું કે તેઓ અગાઉ બે વખત મધ્યપ્રદેશ બાગેશ્ર્વરધામ ખાતે ગયાં હતાં. આજે રાજકોટમાં દરબાર હોવાથી તેઓ રાત્રિના ૩ વાગ્યે રાજકોટ આવી પહોંચ્યાં હતાં. બાબા સાથે તેમની આસ્થા જોડાયેલી છે અને પૂરી શ્રદ્ધા છે. જે લોકો વિરોધ કરે છે એ ભલે કરે. જેઓ સારાં કાર્યો કરે તેમનો વિરોધ થાય એ વાત નિશ્ર્ચિત છે. અરજી લગાવવાની ઈચ્છા અમારી નહિ, ભગવાનની ઈચ્છા હોય છે. ભગવાનની ઈચ્છા હશે તો અરજી લાગશે.

જ્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતેથી આવેલી મહિલા કવિતાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે હું રેસકોર્સ મેદાન ખાતે ૭ વાગ્યે આવી ગઈ છું. બાબાનાં નજીકથી દર્શન કરી શકાય આ માટે વહેલી આવી છું અને આજે વહેલાં આવી પ્રથમ લાઈનમાં બેઠી છું. દરબાર ભલે ૬ વાગ્યે હોય, પણ વહેલાં આવવાથી અહીં ભક્તિનો ભાવ થઇ રહ્યો છે. અરજી લગાવવાની ઈચ્છા ભગવાનની મરજી છે. ભગવાનની મરજી હોય તો અરજી લાગશે.

મધ્યપ્રદેશથી જામનગર પરિવારને ત્યાં આવેલા રામલાલ યાદવે જણાવ્યું હતું કે હું અગાઉ એક વખત બાબાના દરબારમાં ગયો હતો અને આજે રાજકોટમાં દરબાર હોવાની જાણ થતાં સવારે ૭ વાગ્યે રાજકોટ આવી ગયો છું. બાબા સાથે શ્રદ્ધા જોડાયેલી છે માટે આવ્યો છું.