રામેશ્ર્વર મહાદેવ મંદિર ઝાલોદ ખાતે મંદિરનો પ્રથમ પાટોત્સવ નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરાયું

ઝાલોદ, ઝાલોદ નગરમાં રામસાગર તળાવને કિનારે અતિ પ્રાચીન ભોલેબાબાનું મંદિર આવેલ છે. જે કેટલું જૂનું છે તેની કોઈ ને પણ માહિતી નથી. આ મંદિર તળાવ કિનારે એક નાનકડા મંદિર સ્વરૂપે હતું. સમય વીતતાં નગરના સ્થાનિક લોકો દ્વારા આ મંદિરના નવીનીકરણનો વિચાર આવતા આ મંદિરનું સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું. તળાવના કિનારે આવેલ હોવાથી નગરના ધાર્મિક વૃત્તિ ધરાવનાર દર્શનાર્થીઓ માટે આ એક ઉત્તમ સ્થાન બની ગયું. આ મંદિર વિશે માનવામાં આવે છે કે, આ મંદિરમાં સાક્ષાત નાગ દેવતા ભોલેનાથના મંદિરે અવાર નવાર આવે છે તેમજ આ શિવલિંગ સાથે સાક્ષાત નાગ દેવતાને અનેક લોકોએ દર્શન પણ કરેલ છે. આ મંદિરનું નવીનીકરણ થતાં દર્શનાર્થીઓની સંખ્યા આ મંદિરે વધવા લાગી તેમજ તળાવ કિનારે હોવાથી સાંજના સમયે મંદિરના પ્રાંગણમાં અવરજવર વધવા લાગી છે.

આ મંદિરના ભવ્ય નિર્માણ તેમજ નવીન મૂર્તિઓની સ્થાપનાને એક વર્ષ પુરૂં થતાં આ મંદિરના પાટોત્સવ નિમિત્તે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભજન સંધ્યા નગરના પ્રસિદ્ધ મુવાડાના રામ ભક્ત મિત્ર મંડળ દ્વારા કરવામાં આવી હતી. આ ભજન સંધ્યાનો લ્હાવો નગરજનો એ મોટા પ્રમાણમાં લીધો હતો.