ઇસ્લામાબાદ, રમેશ સિંહ અરોરાએ થોડા દિવસ પહેલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મંત્રી તરીકે શપથ લીધા હતા. રમેશ સિંહ અરોરા પાકિસ્તાનમાં ત્રીજી વખત જિલ્લા નારોવાલમાંથી પ્રાંતીય એસેમ્બલી માટે ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ પાકિસ્તાનના લઘુમતી શીખ સમુદાયમાંથી મંત્રી બનનાર પ્રથમ વ્યક્તિ છે. પંજાબના મુખ્યમંત્રી બનેલા પાકિસ્તાન મુસ્લિમ લીગના મરિયમ નવાઝે રમેશ સિંહ અરોરાને તેમના કેબિનેટમાં સામેલ કર્યા છે. મરિયમ નવાઝ પાકિસ્તાનના ત્રણ વખતના વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી છે.
૪૮ વર્ષીય સરદાર રમેશ સિંહ અરોરાએ કહ્યું, “૧૯૪૭માં ભાગલા પછી આ પહેલીવાર છે જ્યારે પંજાબ પ્રાંતની કેબિનેટમાં કોઈ શીખનો સમાવેશ કરવામાં આવ્યો છે. હું માત્ર શીખોની જ નહીં પરંતુ પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ અને ખ્રિસ્તીઓ સહિત તમામ લઘુમતીઓની સુરક્ષા અને સુખાકારી માટે કામ કરીશ.
નનકાના સાહિબમાં જન્મેલા સરદાર રમેશ સિંહ અરોરાએ ગવર્નમેન્ટ કોલેજ યુનિવર્સિટી , લાહોરમાંથી એન્ટરપ્રેન્યોરશિપ અને એસએમઈ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા, સરદાર રમેશ સિંહ અરોરાએ પાકિસ્તાનમાં વિશ્વ બેંકના ગરીબી નાબૂદી કાર્યક્રમમાં યોગદાન આપ્યું હતું. ૨૦૦૮ માં, તેમણે ફાઉન્ડેશનની સ્થાપના કરી, જે પાકિસ્તાનમાં વંચિતોને મદદ કરવા માટે સમપત છે.
પાકિસ્તાનમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં, સરદાર રમેશ સિંહ અરોરા તેમના વતન અને ગુરુ નાનકના અંતિમ વિશ્રામ સ્થાન ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબના સ્થળ નારોવાલથી એમપીએ તરીકે ચૂંટાયા હતા. તેમને ગયા વર્ષે કરતારપુર કોરિડોરના એમ્બેસેડર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
અહેવાલ મુજબ, સરદાર રમેશ સિંહ અરોરાએ જણાવ્યું હતું કે ૧૯૪૭ના ભાગલા દરમિયાન, તેમના પરિવારે, મોટાભાગના શીખ/હિંદુ પરિવારોથી વિપરીત, ભારત જવાને બદલે પાકિસ્તાનમાં રહેવાનું પસંદ કર્યું હતું. તેણે કહ્યું, “મારો જન્મ નનકાના સાહિબમાં થયો હતો, પરંતુ પછીથી અમે નારોવાલમાં રહેવા ગયા. મારા દાદાએ ભાગલા વખતે તેમના શ્રેષ્ઠ મુસ્લિમ મિત્રની સલાહ પર પાકિસ્તાનમાં રહેવાનું પસંદ કર્યું હતું. માત્ર મિત્રતા ખાતર, તેના પરિવારે ત્યાં રહેવાનું નક્કી કર્યું.