રામદેવ અને બાલકૃષ્ણએ એક સપ્તાહમાં જાહેરમાં માફી માંગવી જોઈએ, સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

  • બાલકૃષ્ણ સાથે વાત કરતી વખતે બેન્ચે તેમને કહ્યું, ’તમે સારું કામ કરી રહ્યા છો પરંતુ તમે એલોપેથીને અધોગતિ કરી શક્તા નથી.’

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે મંગળવારે યોગ ગુરુ રામદેવ, તેમના સહયોગી બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદને ભ્રામક જાહેરાતના કેસમાં જાહેરમાં માફી માંગવા માટે એક સપ્તાહનો સમય આપ્યો છે. સુનાવણી દરમિયાન રામદેવ અને બાલકૃષ્ણ બંને હાજર હતા અને તેઓએ વ્યક્તિગત રીતે સર્વોચ્ચ અદાલતમાં બિનશરતી માફી માંગી હતી. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે તેમની માફી અંગે સંજ્ઞાન લીધું હતું, પરંતુ સ્પષ્ટ કર્યું હતું કે આ તબક્કે અમે કોઈ છૂટ આપવાનો નિર્ણય લીધો નથી. બાલકૃષ્ણ સાથે વાત કરતી વખતે બેન્ચે તેમને કહ્યું, ’તમે સારું કામ કરી રહ્યા છો પરંતુ તમે એલોપેથીને અધોગતિ કરી શક્તા નથી.’

બેન્ચ સાથે વાત કરતા રામદેવે એમ પણ કહ્યું હતું કે તેમનો કોઈપણ રીતે કોર્ટનો અનાદર કરવાનો ઈરાદો નથી. જો કે, બેન્ચે બાલકૃષ્ણને કહ્યું કે તે (પતંજલિ) એટલા નિર્દોષ નથી કે તેમને ખબર ન હોય કે આ મામલે સુપ્રીમ કોર્ટે તેના અગાઉના આદેશોમાં શું કહ્યું હતું.

પતંજલિની ભ્રામક જાહેરાત કેસની સુનાવણી હવે ૨૩ એપ્રિલે થશે. તે દિવસે કોર્ટે બાબા રામદેવ અને પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણને કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. આ પહેલા મંગળવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન મુકુલ રોહતગીએ કોર્ટને કહ્યું કે રામદેવ આ મામલે જાહેરમાં માફી માંગવા માંગે છે. તેના પર જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે કોર્ટ સાંભળવા માંગે છે કે રામદેવ અને બાલકૃષ્ણ શું કહેવા માંગે છે, તેમને આગળ આવવા માટે કહો.

ઓડિયોમાં કેટલીક ક્ષતિના કારણે બેન્ચ થોડી મિનિટો માટે ઊભી રહી હતી. બેન્ચે કટાક્ષ કરતાં કહ્યું કે, એવું ન વિચારો કે આ અમારી તરફથી કોઈ સેન્સરશિપ છે. જે બાદ હવે સુપ્રીમ કોર્ટે પતંજલિની ભ્રામક જાહેરાતના કેસમાં ૨૩ એપ્રિલની તારીખ નક્કી કરી છે. કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને તે તારીખે કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે.બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ તેના ઉત્પાદનોની ઔષધીય અસરકારક્તા વિશે ઉંચા દાવાઓ કરતી કંપની દ્વારા જારી કરાયેલી જાહેરાતો પર સર્વોચ્ચ અદાલતમાં બિનશરતી માફી માંગી છે, પરંતુ કોર્ટે હજુ સુધી તેમને કોઈ રાહત આપી નથી.

કોર્ટમાં દાખલ કરાયેલા બે અલગ-અલગ સોગંદનામામાં, રામદેવ અને બાલકૃષ્ણએ ગયા વર્ષે સુપ્રીમ કોર્ટના ૨૧ નવેમ્બરના આદેશમાં નોંધાયેલા નિવેદનના ઉલ્લંઘન માટે બિનશરતી માફી માંગી છે. ૨૧ નવેમ્બર, ૨૦૨૩ ના રોજના આદેશમાં, સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે પતંજલિ આયુર્વેદનું પ્રતિનિધિત્વ કરતા વકીલે ખાતરી આપી છે કે હવેથી કોઈપણ કાયદા(ઓ)નું ઉલ્લંઘન થશે નહીં, ખાસ કરીને તેના દ્વારા ઉત્પાદિત અને માર્કેટિંગ ઉત્પાદનોના સંબંધમાં. ઔષધીય અસરકારક્તાનો દાવો કરતું અથવા દવાની કોઈપણ પ્રણાલી વિરુદ્ધ કોઈપણ આકસ્મિક નિવેદન કોઈપણ સ્વરૂપમાં અને બનાવેલા ઉત્પાદનોની જાહેરાત અથવા બ્રાન્ડિંગના સંબંધમાં મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે નહીં.

સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે પતંજલિ આયુર્વેદ લિમિટેડ આવી ખાતરી આપવા માટે બંધાયેલ છે. ચોક્કસ ખાતરીઓનું પાલન ન થયું અને મીડિયામાં અનુગામી નિવેદનોએ સર્વોચ્ચ અદાલતને નારાજ કરી, જેણે પછીથી રામદેવ અને બાલકૃષ્ણને તેમની સામે અવમાનનાની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ તેનું કારણ બતાવવા માટે નોટિસ જારી કરી.

Don`t copy text!