રામ ચરણની બહેનના લગ્ન તૂટ્યા, પતિ ચૈતન્યથી છૂટાછેડા લીધા બાદ નિહારિકા કોનિડેલા થઈ અલગ

હૈદરાબાદ,સાઉથના સુપરસ્ટાર રામ ચરણની પિતરાઈ બહેન નિહારિકા કોનિડેલા અને ચૈતન્ય જોનાલગદ્દાનાં છૂટાછેડા થઈ ગયા છે. તેઓએ ગયા મહિને પરસ્પર છૂટાછેડા માટે અરજી કરી હતી અને પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાનું કહેવાય છે. તેમના છૂટાછેડાનું કારણ અજ્ઞાત હોવા છતાં, એવું માનવામાં આવે છે કે વૈચારિક મતભેદોને કારણે દંપતીએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.

નિહારિકા અને ચૈતન્યએ તેમના છૂટાછેડાના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેમના બ્રેકઅપની અફવા ત્યારે શરૂ થઈ જ્યારે તેમણે ઈન્સ્ટાગ્રામ પરથી તેમના લગ્નના તમામ ફોટોસ ડિલીટ કરી દીધા હતા. અહેવાલો મુજબ નિહારિકા ટૂંક સમયમાં એક ઔપચારિક નિવેદન દ્વારા પોતાનું રિલેશનશીપ સ્ટેટસ જાહેર કરી શકે છે. અભિનેતા અને નિર્માતા નાગા બાબુની પુત્રી નિહારિકાએ માર્ચ ૨૦૨૨માં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને નિષ્ક્રિય કરવાનો ચોંકાવનારો નિર્ણય લીધો હતો.

ચૈતન્ય નિહારિકાના ભાઈ વરુણ તેજ અને લાવણ્યા ત્રિપાઠીની સગાઈમાં પણ જોવા મળ્યો ન હતો. જે બાદ અફવાઓ ઉડવા લાગી હતી કે નિહારિકા કોનિડેલા અને તેના પતિ છૂટાછેડા લઈ રહ્યા છે. જ્યારે નિહારિકાએ તેના ભાઈ વરુણની સગાઈની કેટલીક ફોટોસ પોસ્ટ કરી, ત્યારે યુઝર્સે તેને ચૈતન્યની સગાઈમાં ગેરહાજરી અંગે અનેક સવાલો પૂછ્યા હતા.

નિહારિકા અને ચૈતન્યએ પ્રેમમાં પડ્યા બાદ લગ્ન કર્યા હતા. તેઓએ ઓગસ્ટ ૨૦૨૦માં સગાઈ કરી અને ડિસેમ્બરમાં ભવ્ય લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સ પહોંચ્યા હતા. અલ્લુ અર્જુન, રામ ચરણ, પવન કલ્યાણ, ચિરંજીવી અને સમગ્ર કોનિડેલા-અલ્લુ પરિવાર ઉદયપુરમાં નિહારિકાના લગ્નમાં એક્સાથે જોવા મળ્યો હતો.