
મુંબઈ : ‘આરઆરઆર’નો હીરો રામચરણ હૈદરાબાદથી ઉઘાડા પગે જ મુંબઈ ફલાઈટમાં આવી સીધો સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન માટે પહોંચ્યો હતો. એરપોર્ટ તથા મંદિર ખાતે તે ઉઘાડા પગે ચાલતો હોવાના ફોટા વાયરલ થયા હતા.
રામ ચરણ બ્લેક કુર્તા પાયજામામાં જ એરપોર્ટ તથા મંદિર પર દેખાયો હતો. તેના પરથી મનાય છે કે તે એરપોર્ટથી સીધી સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચ્યો હતો.
રામચરણ અયપ્પા દીક્ષા લીધી હોવાનું કહેવાય છે. તેના ભાગરુપે તેણે સિદ્ધિ વિનાયકના ઉઘાડા પગે દર્શનની માનતા લીધી હોવાનું મનાય છે.
રામચરણ ભગવાન ગણેશમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. તાજેતરમાં ગણેશોત્સવ વખતે પણ હૈદરાબાદમાં તેણે પોતાના ઘરે ગણેશજીની પધરામણી કરી હતી. રામચરણ અને તેની પત્ની ઉપાસના ગયા જુનમાં જ એક પુત્રીનાં માતાપિતા બન્યાં છે.
હજુ થોડા દિવસો પહેલાં જ એવા સમાચાર આવ્યા હતા કે બોલીવૂડ અભિનેત્રી રવીના ટંડનની દીકરી રાશા એક ફિલ્મમાં રામચરણની હિરોઈન બનવાની છે. જોકે, આ અગે હજુ કોઈ સત્તાવાર ઘોષણા થઈ નથી.