અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને કારણે આખો દેશ રામભક્તિમાં ડુબી ગયો છે. 22 જાન્યુઆરીએ દેશભરમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેને કારણે નાના નાના વેપારીઓને પણ ફાયદો થઇ રહ્યો છે. લોકો ઝંડા, ફૂલ, પૂજા સામગ્રી, મિઠાઇ અને દીવા ખરીદી રહ્યાં છે. ટેન્ટ અને હલવાનું પણ એડવાન્સમાં બુકિંગ થઇ રહ્યું છે. વેપારી સંગઠન કનફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ની માનીએ તો દેશભરમાં વેપારીઓને એક લાખ કરોડ રૂપિયા કરતા વધુનો બિઝનેસ થઇ ચુક્યો છે. વેપારી સંગઠનોએ 22 જાન્યુઆરીને ખાસ બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે.
કેટના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યુ કે સોમવારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે દેશમાં વેપારી પોતાની દુકાનોને ખુલ્લી રાખશે. બિઝનેસ કોમ્યુનિટી વચ્ચે દરેક શહેર અયોધ્યા-ઘર ઘર અયોધ્યા નામથી રાષ્ટ્રીય અભિયાન ચલાવી રહ્યું છે. દેશભરમાં 22 જાન્યુઆરીએ માર્કેટ ખુલ્લુ રાખવા અને અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
રામ મંદિરની હેન્ડક્રાફ્ટ કરેલી 3D પ્રતિકૃતિ, રામ દરબાર સાથે એમ્બોસ્ડ કરાયેલા ચાંદના સિક્કા, કેલેન્ડર, ગિલ્ડેડ ફોટો ફ્રેમ્સ અને હાથથી બનાવેલા દીવાઓ ધરાવતા ગિફ્ટ સેટ જેવી વસ્તુઓ વધારે વેચાઇ છે.
CAITના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલ કહે છે, “રામ મંદિરની છબી દર્શાવતા ધ્વજ, બેનરો, કેપ, ટી-શર્ટ અને પ્રિન્ટેડ કુર્તાની ખુબ માંગ છે. રામ મંદિરના મોડલની માંગમાં પણ ઝડપથી વધારો જોવા મળ્યો છે અને એવી અપેક્ષા છે કે દેશભરમાં 5 કરોડથી વધુ મોડલ વેચવામાં આવશે જેના માટે નાના મેન્યુફેક્ચરિંગ એકમો ઘણા શહેરોમાં 24 કલાક કામ કરી રહ્યાં છે.
શોર્ટ વિડિયો એપ જોશ અને કન્ટેન્ટ ડિસ્કવરી પ્લેટફોર્મ ડેઇલીહન્ટે સામુહિક ભક્તિને અપનાવવા માટે એક ડિજિટલ પહેલ ‘શ્રી રામ મંત્ર જાપ રૂમ’ શરૂ કરવા સહયોગ કર્યો છે જ્યાં વ્યક્તિ 22 જાન્યુઆરીએ વર્ચ્યુઅલર રીતે મંત્રોનો જાપ કરી શકે છે. પ્રથમ વખતનું ડિજિટલ જાપ સત્ર વપરાશકર્તાઓને પાઠ કરવા માટે પ્રેરિત કરશે.