નવી દિલ્હી,
અયોધ્યામાં રામમમંદિર નિર્માણ આગામી વર્ષે ૧લી જાન્યુઆરીએ પૂર્ણ થવાની જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી છે. આ બાબતને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમિત શાહ પર નિશાન તાક્યું છે. ખડગેએ કહ્યું કે રામમંદિર નિર્માણ પૂર્ણ થવાની તારીખની જાહેરાત અમિત શાહે નહિ સાધુ-સંતોએ કરવી જોઈએ.
આ સાથે ખડગેએ પ્રશ્ર્ન કર્યો કે શું અમિત શાહ રામમંદિરના પૂજારી છે, જે આવી જાહેરાત કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ગૃહમંત્રી તરીકે અમિત શાહનું જે ર્ક્તવ્ય છે, તેના પર તેમણે ધ્યાન આપવું જોઈએ. કોંગ્રેસની ભારત જોડો યાત્રા હેઠળ આયોજિત એક જાહેરસભાને સંબોધિત કરતા મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે ભાજપ દ્વારા લાલચ આપી અને તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને ચૂંટાયેલી સરકારો અસ્થિર કરવામાં આવી રહી છે.
ખડગેએ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે રાહુલ ગાંધીનું ધૈર્ય અને સાહસ જોઈને સૌ અચંબામાં પડ્યા છે. અમે તો રાહુલ ગાંધીને દિલ્હીમાં દેખતા હતા, આ અલગ રાહુલ છે. રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી પદયાત્રા શરુ કરી અને દરેક મોસમનો સામનો કરીને ચાલતા રહ્યા. હું આ માટે તેમને અભિનંદન પાઠવું છે. કોંગ્રેસ અધ્યક્ષે એમ પણ કહ્યુ કે, રાહુલ ગાંધીની લડાઈ મોંઘવારીની વિરુદ્ધ, બેરોજગારીની વિરુદ્ધ છે. એ યુવાનો માટે રસ્તા પર આવીને લડી રહ્યા છે. આ સાથે ખડગેએ આરોપ લગાવ્યો કે મોદી જી જ્યારથી વડાપ્રધાન બન્યા છે, અમિત શાહ ગૃહમંત્રી બન્યા છે, ત્યારથી ફક્ત ચૂંટણીના ચક્કરમાં પડ્યા રહે છે, એ બીજા રાજકીય પક્ષોમાં તોડફોડ કરે છે. ઈડી અને અન્ય એજન્સીઓનો દુરુપયોગ કરે છે.