રામમંદિરમાં ભક્તોનો જબરદસ્ત ધસારો! શ્રાવણમાં ૩૫ લાખ દર્શનાર્થીઓ આવ્યા

અયોધ્યા શ્રીરામ જન્મભૂમિમાં બિરાજમાન રામલલ્લાના દર્શન કરવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જ્યારથી અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઇ ત્યારથી ભગવાન રામની એક ઝલક જોવા લોકો ક્યાંય ક્યાંયથી આવી પહોંચે છે.

તેવામાં હાલ તો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ મહિનામાં ધાર્મિક સ્થળોની લોકો વધારે મુલાકાત લેતા હોય છે ત્યારે શ્રાવણ માસમાં રામમંદિરે આવનારા લોકોની સંખ્યા લાખો પર પહોંચી છે.

કાળઝાળ ગરમી બાદ વરસાદના ઝાપટા પડતાં ધીમે ધીમે દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો. શ્રાવણ મહિનામાં શ્રી રામજન્મભૂમિ મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોની સંખ્યામાં સતત વધારો થયો છે અને છેલ્લા ત્રણ દિવસમાં આ સંખ્યા પ્રતિદિન દોઢ લાખને પાર થઈ ગઈ છે. આ દરમિયાન દેશ-વિદેશથી પણ રામ ભક્તો દર્શનાર્થે આવ્યા હતા. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસમાં ઝૂલનોત્સવની વચ્ચે આયોજિત સાંસ્કૃતિક સાંજથી પણ ભક્તો ખુશ જોવા મળ્યા હતા.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે નાગપાંચમ પછી અહીં મેળો ભરાય છે. કાવડયાત્રીઓ આવે છે. ત્રીજ બાદ ભક્તો આવવાના શરૂ થાય છે. આ મેળામાં આસપાસના જિલ્લામાંથી અનેક લોકો આવે છે. મહિનાના શરૂઆતમાં તો ૭૫ થી ૮૦ હજાર લોકો પ્રતિદિવસ દર્શન કરતા હતા . છેલ્લા અઠવાડિયામાં તો ૧ લાખ ઉપર દર્શનાર્થીઓની સંખ્યા પહોંચી ગઇ. જ્યારે અંતિમ દિવસોમાં તો દોઢ લાખ સુધી દર્શનાર્થીઓ પહોંચી ગયા. આમ આખા શ્રાવણ માસમાં ૩૦ થી ૩૫ લાખ લોકોએ મુલાકાત લીધી. મહત્વનું છે કે આ ઉત્તર ભારતમાં શરૂ થયેલા શ્રાવણ માસની વાત છે.