રામ મંદિર અને બાબરી મસ્જિદ આબંને ધર્મનિરપેક્ષતાના શ્રેષ્ઠ ઉદાહરણ: સાદિક અલી શિહાબ થંગલે

લખનૌ,રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ લાખો લોકો રામ મંદિરના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. આ બધાની વચ્ચે ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના કેરળ એકમના પ્રમુખ સાદિક અલી શિહાબ થંગલે અયોધ્યા, યુપીમાં બનેલા રામ મંદિરને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ મંદિર અને તેની નજીકની સૂચિત મસ્જિદને ધર્મનિરપેક્ષતાના પ્રતિક તરીકે વર્ણવી છે અને કહ્યું છે કે મંદિરનો વિરોધ કરવાની કોઈ જરૂર નથી. મુસ્લિમ સમાજે આ મુદ્દે ફસાઈ જવાને બદલે ભવિષ્ય વિશે વિચારવું જોઈએ.

રાજ્યના પ્રભાવશાળી પનાક્કડ પરિવારના વરિષ્ઠ સભ્ય થંગલે અયોધ્યામાં અભિષેક સમારોહના બે દિવસ પછી ૨૪ જાન્યુઆરીએ મલપ્પુરમમાં એક જાહેર સભા દરમિયાન આ વાતો કહી હતી. કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ તરફ કેરળમાં શાસક સીપીઆઇ એમ)ની આગેવાની હેઠળની એલડીએફ સરકારની ગઠબંધન ભાગીદાર ઈન્ડિયન નેશનલ લીગ આઇએનએલએ આઇયુએમએલ નેતાના આવા નિવેદનો પર હુમલો કર્યો છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી અને આઇયુએમએલ થંગલના બચાવમાં આવ્યા હતા. કોંગ્રેસે કહ્યું કે, થંગલ ભાજપના અભિયાનને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે જે આ મુદ્દાઓ પર નફરત પેદા કરવાનો અને સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે.

સાદિક અલી શિહાબ થંગલે કાર્યક્રમમાં અયોધ્યામાં અભિષેક સમારોહનો ઉલ્લેખ કરતા કહ્યું, આપણા દેશમાં ઘણો વિકાસ થયો છે. રામ મંદિર માટે દેશના બહુમતી સમાજની ઈચ્છા પૂર્ણ થઈ છે. હવે દેશ પછાત નહીં થઈ શકે. દેશના બહુમતી સમુદાયની આ જરૂરિયાત હતી. અયોધ્યામાં મંદિર બન્યું છે એ વાતનો આપણે વિરોધ કરવાની જરૂર નથી. બહુમતીવાદી સમાજમાં દરેકને પોતાની આસ્થા પ્રમાણે આગળ વધવાની સ્વતંત્રતા છે.

આઇયુએમએલ નેતાએ વધુમાં કહ્યું, કોર્ટના નિર્ણય બાદ રામ મંદિરનું નિર્માણ થઈ ગયું છે અને બાબરી મસ્જિદનું નિર્માણ ચાલી રહ્યું છે. આ બંને ધર્મનિરપેક્ષતાના શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણે તેને અપનાવવું જોઈએ. બંને ધર્મનિરપેક્ષતાના શ્રેષ્ઠ પ્રતીકો છે. તેમણે એમ પણ કહ્યું કે, અમે સારી રીતે જાણીએ છીએ કે બાબરી મસ્જિદને કાર સેવકો દ્વારા નષ્ટ કરવામાં આવી હતી અને તે સમયે અમે તેનો વિરોધ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતીય મુસ્લિમોએ પણ આનો સામનો કરવા માટે સંપૂર્ણ પરિપક્વતા દર્શાવી હતી.