રક્ષક જ ભક્ષક! મહિલા કોન્સ્ટેબલ પર બળાત્કારના આરોપસર બીએસએફ ઈન્સ્પેક્ટર સસ્પેન્ડ, પોલીસે એફઆઇઆર નોંધી

કોલકતા,

પશ્ર્ચિમ બંગાળમાં બીએસએફ કેમ્પમાં મહિલા કોન્સ્ટેબલ પરબળાત્કાર કરવાના આરોપમાં બીએસએફ ઈન્સ્પેક્ટર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. બીએસએફ દ્વારા કહેવામાં આવ્યું છે કે આરોપી ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. બીએસએફ તરફથી પોલીસમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. જોકે હજુ સુધી આરોપીની ધરપકડ કરાઈ નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીએસએફ ઈન્સ્પેક્ટરે મહિલા કોન્સ્ટેબલને કોઈ કામ સમજાવવા માટે પોતાના રૂમમાં બોલાવી હતી. ત્યારબાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બીએસએફે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. પીડિત મહિલા કોન્સ્ટેબલને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હાલત ખરાબ થતાં તેને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બીએસએફના કેટલાક અધિકારીઓ પીડિતાને કોલકાતાના ભવાનીપુર પોલીસ સ્ટેશન લઈ ગયા. મહિલા કોન્સ્ટેબલે લેખિત ફરિયાદ નોંધાવી છે. ભવાનીપુર પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ ૩૬૭/૨ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ક્રિષ્નાગંજ પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર મોકલવામાં આવી છે. બીએસએફ એ જણાવ્યું કે તેઓ આ મામલે વિભાગીય તપાસ કરી રહ્યા છે.

આ પહેલા પણ એક બળાત્કારના કેસમાં બીએસએફના ત્રણ જવાનોના નામ સામે આવ્યા હતા. નવેમ્બર ૨૦૨૨માં રાજસ્થાનના જયપુરમાં એક યુવતી સાથે ગેંગરેપની ઘટના બની હતી. ૫ લોકોએ મળીને તેની સાથે બળાત્કાર કર્યો હતો, જેમાં બીએસએફના ત્રણ જવાન પણ સામેલ હતા. આ મામલામાં અધિકારીઓએ ત્રણેય જવાનોને તપાસ માટે પોલીસને સોંપ્યા હતા.