અમદાવાદ, રક્ષા બંધનનો તહેવાર જેમ જેમ નજીક આવતો જાય છે, તેમ તેમ બજારમાં રોનક વધવા લાગી છે. શહેરમાં રંગબેરંગી અને આકર્ષક રાખડીઓથી બજાર સજવા લાગી છે. ભાઈ-બહેનના આ પર્વ માટે બહેન અત્યારથી જ બહાર રહેતા ભાઈઓ માટે રાખડી ખરીદીને મોકલાવી રહી છે. બજારમાં આકર્ષક રાખડીઓની ડિમાન્ડ સૌથી વધારે છે. ખાસ કરીને કોલકાતાની હૈંડમેડ રાખડીઓ અહીં મળી રહી છે. મોંઘવારી હોવા છતાં પણ બજારમાં સ્ટોન અને મેટલની રાખડીઓ સાથે રુદ્રાક્ષવાળી કેટલીય ફેન્સી રાખડીઓ વેચાઈ રહી છે.
રાખડીઓના ભાવ ગત વર્ષની સરખામણીમાં આ વખતે ૨૦ ટકા વધારે છે. બજારમાં સ્ટોનની રાખડીઓ ખૂબ વેચાઈ રહી છે. સાથે જ સ્ટાઈલિશ રાખડીઓ, બ્રેસલેટ, મોતીઓ, મેટલ અને ભાઈ-ભાભી રાખી ગ્રાહકો ખૂબ ખરીદી રહ્યા છે. બાળકો માટે બજારમાં ટૈડી, છોટા ભીમ, ડોરેમોન, પબજી કેટલાય પ્રકારની રાખડીઓ મળી રહી છે. ભોલારામ બાંગ્લા માર્ગ પર રાખડીઓના જથ્થાબંધ વેપારી મનીષ બજાજનું કહેવું છે કે, બજારમાં જથ્થાબંધમાં એક રૂપિયાથી લઈને ૧૩૦ રૂપિયા સુધીની રાખડી મળી રહી છે. તે છુટકમાં રાખડી પાંચ રૂપિયાથી લઈને ૨૫૦ રૂપિયા સુધી વેચાય છે.
રાખડીના વેપારીએ જણાવ્યું કે, પહેલા જ્યાં ચાઈનીઝ રાખડીઓ લોકોને ગમતી હતી, ત્યાં હવે આ વખતે ભારતમાં બનેલ રાખડીઓ બજારમાં વધુ દેખાઈ રહી છે. બજાજ જણાવે છે કે, કલકત્તામાં બનેલી આ રાખડીઓ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કારગર સાબિત થઈ રહી છે. કુટીર ઉદ્યોગના માધ્યમથી આ રાખડીઓને ઘરેલૂ કામકાજી મહિલાઓએ તૈયાર કરી છે. જેનાથી તેમને રોજગાર મળે છે અને આ રાખડીઓના વેચાણથી દેશના પૈસા દેશમાં જ રહેશે.