નવીદિલ્હી, ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનું નવું ઉદાહરણ રજૂ કરી રહ્યું છે. આ સંબંધમાં સુરક્ષા પરની કેબિનેટ કમિટીએ ૨૦૦ બ્રહ્મોસ મિસાઇલોની ખરીદીને મંજૂરી આપી દીધી છે. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની આ ખરીદી ભારતીય નૌકાદળ માટે કરવામાં આવશે. તેનાથી દુશ્મનો સામે લડવા માટે ભારતીય સેનાની તાકાતમાં વધારો થશે. આ મિસાઇલોને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો પર તૈનાત કરવામાં આવશે.
બુધવારે સાંજે આ સંદર્ભે એક બેઠક મળી હતી. ભારતીય નૌકાદળ માટે આ એક મહત્વપૂર્ણ ડીલ છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં બ્રહ્મોસ એરોસ્પેસ અને સંરક્ષણ મંત્રાલય વચ્ચે આ ડીલ પર હસ્તાક્ષર થઈ શકે છે. આ સાથે એવી માહિતી પણ મળી રહી છે કે ભારત ટૂંક સમયમાં ફિલિપાઈન્સમાં બ્રહ્મોસ મિસાઈલની નિકાસ કરવા જઈ રહ્યું છે. આ મુદ્દે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે.
બ્રહ્મોસ એરોસ્પેસ એ ભારત અને રશિયાની સરકારોનું સંયુક્ત સાહસ છે. સંરક્ષણ ક્ષેત્રમાં આ આત્મનિર્ભરતા વડાપ્રધાન નરેન્દ્રના મહત્વપૂર્ણ મિશનનો એક ભાગ છે. આ એન્ટરપ્રાઇઝ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું ઉત્પાદન કરે છે. આ મિસાઇલો સબમરીન, યુદ્ધ જહાજો, વિમાન અને જમીન પરથી પણ છોડવામાં આવી શકે છે. બ્રહ્મોસ મિસાઈલ ભારતીય નૌકાદળનું મુખ્ય હથિયાર છે, જેનો ઉપયોગ એન્ટી શિપ અને એટેક ઓપરેશનમાં થાય છે.
વિશ્વના ઘણા દેશોએ ભારતમાં બનેલ બ્રહ્મોસ એરોસ્પેસ ખરીદવામાં રસ દાખવ્યો છે. ફિલિપાઈન્સ બ્રહ્મોસ એરોસ્પેસના પ્રથમ ગ્રાહક તરીકે ઉભરી આવ્યું છે. ફિલિપાઈન્સે બ્રહ્મોસ મિસાઈલ સિસ્ટમ ખરીદવામાં ભારે રસ દાખવ્યો છે. જાણકારી અનુસાર ફિલિપાઈન્સ સાથે લગભગ ૩૭૫ મિલિયન ડોલરની ડીલ થશે. બ્રહ્મોસ મિસાઈલના નિકાસથી દેશના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધશે.
ફિલિપાઈન્સ હાલના દિવસોમાં ચીનની ચાલાકીનો સામનો કરી રહ્યું છે પરંતુ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ મેળવ્યા બાદ તેની વ્યૂહાત્મક શક્તિમાં વધારો થશે. એવી પણ માહિતી છે કે ફિલિપાઈન્સ ચીનને જડબાતોડ જવાબ આપવા માટે ભારત પાસેથી તેજસ ફાઈટર જેટ પણ ખરીદવા જઈ રહ્યું છે. ચીનની કૂટનીતિ સામે ભારતે ફિલિપાઈન્સને તેજસ ખરીદવાની ઓફર પણ કરી છે.