
નવીદિલ્હી, રાજસ્થાન,મધ્યપ્રદેશ છત્તીસગઢ અને તેલંગાણાની વિધાનસભાની ચુંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનો વિજય થયો છે જયારે તેલંગાણામાં કોંગ્રેસનો વિજય થયા છે.રાજસ્થાનની ૧૯૯ વિધાનસભાની બેઠકોમાંથી ભાજપને ૧૧૨ અને કોંગ્રેસને ૬૮ બેઠકો મળી છે જયારે અન્યના ફાળે ૧૯ બેઠકો આવી છે જયારે મધ્યપ્રદેશ ની ૨૩૦ બેઠકોમાંથી ભાજપને ૧૬૪ અને કોંગ્રેસને ૬૪ અને અન્યને બે બેઠકો મળી છે.જયારે છત્તીસગઢની ૯૦ બેઠકોમાંથી ભાજપે ૫૪,કોંગ્રેસને ૩૫ અને અન્યને એક બેઠક મળી છે આમ રાજસ્થાન,મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની સરકાર બનશે જયારે તેલંગાણાની ૧૧૯ બેઠકોમાંથી બીઆરએસને ૪૩, કોંગ્રેસને ૬૨,ભાજપને ૯ બેઠકો અને એઆઇએમઆઇએમને ચાર જયારે અન્યને એક બેઠક મળી છે.
મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે પરિણામો બાદ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના મનમાં એમપી છે અને એમપીના મનમાં વડાપ્રધાન મોદી છે તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ સભાઓ જનતાને અપીલ કરી હતી કે તે જનતાના દિલને સ્પર્શી ગઇ હતી તેના કારણે પાર્ટીનો વિજય થયો છે.મધ્યપ્રદેશ માં સતત ચોથી વાર ભાજપની સરકાર આવી છે. છત્તીસગઢના પરિણામો ચોંકાવનારા છે જનતાએ કોંગ્રેસને ફગાવી દીધી છે.છત્તીસગઢના ચુંટણી પરિણામોથી જમીની સ્તર પર ભુપેશ બધેલનો જલવો વિખેરાઇ ગયો છે જમીની સ્તર પર છત્તીસગઢી જનતાની ભલાઇ માટે તેમણે તમામ યોજનાઓનો અમલ કર્યો પરંતુ તેઓ મતદારોને તેઓ પોતાની તરફ આકર્ષિત કરવામાં નિષ્ફળ રહ્યાં છે નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ચુંટણી પ્રચાર દરમિયાન જે રીતે મહાદેવ બેટીંગ એપનો મામલો સામે આવ્યા અને તેના તાર મુખ્યમંત્રી ભુપેશ બધેલ સાથે જોડાયા ત્યારબાદ કોંગ્રેસ માટે બચાવ કરવો મુશ્કેલ બની ગયું અને ભાજપે ભ્રષ્ટ્રાચારને મુદ્દો બનાવ્યો હતો તેનો લાભ ભાજપને મળ્યો છે તેલંગાણામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતિ મળી છે.જયારે બીઆરએસ સત્તાની બહાર થયું છે.બીઆરએસે ચુંટણી પ્રચાર દરમિયાન પૂર્વવર્તી કોંગ્રેસની નિષ્ફળતા અને કિસાનો અને મહિલાઓ માટે ચલાવવામાં આવી રહેલ કલ્યાણકારી યોજનાઓ પર કેન્દ્રીત રહ્યું રાવે તેલંગાણાને રાજયનો દરજજો અપાવવામાં પોતાના સંધર્ષની વાતને પણ જોર શોરથી ઉઠાવ્યો પરંતુ એવું લાગ્યું કે કેસીઆરનો જાદુ આ વખતે જનતા પર ચાલ્યો નહીં જયારે કોંગ્રેસે પોતાના પ્રચાર અભિયાન દરમિયાન બીઆરએસ સરકારના કહેવાતા ભ્રષ્ટ્રાચારના મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો અને પોતાની છ ગેરંટી તથા શાસનમાં પરિવર્તનની જરૂરીયાત પર ભાર મુકયો હતો.
રાજસ્થાનમાં ભાજપના વિજયથી કાર્યકરોમાં ખુશી છવાઇ ગઇ હતી ભાજપની સરકાર આવશે તે નક્કી થતા જ જયપુર ખાતે ભાજપે ઉજવણીની શરૂઆત કરી દીધી હતી લોકો ઢોલ નગારા સાથે ઉજવણી કરતા નજરે પડી હતાં .
રાજસ્થાનમાં ભાજપ પાંચ વર્ષ બાદ સત્તામાં વાપસી કરી છે દેશના ત્રણેય રાજ્યોમાં ભાજપે કેટલાક મહિનાઓ પહેલા ચૂંટણી માટે ટિકિટોની વહેંચણી કરી હતી, પરંતુ કોઈપણ રાજ્યમાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો ન હતો. જ્યારે ૨૦૧૮માં ભાજપે મધ્યપ્રદેશ માં શિવરાજ સિંહ ચૌહાણ, રાજસ્થાનમાં વસુંધરા રાજે અને છત્તીસગઢમાં રમણ સિંહને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. પરિણામ એ આવ્યું કે ત્રણેય રાજ્યોમાં ભાજપની હાર થઈ. પરંતુ આ વખતે ભાજપે એવું કર્યું નથી. ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડી હતી અને તેની મોટી અસર પણ જોવા મળી રહી છે.વડાપ્રધાન મોદીએ હિન્દી બેલ્ટના આ ત્રણ રાજ્યોમાં જોરદાર રેલીઓ અને રોડ શો કર્યા. ભાજપના ચૂંટણી નારા પણ મોદીની આસપાસ રહ્યા હતા. મધ્યપ્રદેશ માં ’સાંસદ કે મન મેં મોદી હૈ’ અને રાજસ્થાનમાં ’મોદી સાથ અપનો રાજસ્થાન’નું સૂત્ર આપવામાં આવ્યું હતું. ૨ થી ૨૭ નવેમ્બરની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ત્રણ રાજ્યોમાં ૪૨ રેલીઓ અને ચાર મોટા રોડ શો કર્યા. સૌથી વધુ જોર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં હતું. પીએમ મોદીએ મધ્યપ્રદેશ માં ૧૫ રેલીઓ કરી. ઈન્દોરમાં મોટો રોડ શો કર્યો. રાજસ્થાનમાં ૧૫ રેલીઓ અને જયપુર અને બિકાનેરમાં રસ્તાઓ યોજી. જ્યારે છત્તીસગઢમાં પીએમ મોદીની ચાર રેલીઓ યોજાઈ હતી.
આ વર્ષની શરૂઆતમાં જ્યારે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. પરંતુ પરિણામમાં તેની અસર જોવા મળી ન હતી. અને ભાજપને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે ’નરેન્દ્ર મોદી પરિબળ’ની તેની મર્યાદા છે અને જ્યારે વિધાનસભાની ચૂંટણીની વાત આવે છે ત્યારે સ્થાનિક ચહેરાઓ મહત્વ ધરાવે છે. પરંતુ મધ્યપ્રદેશ , રાજસ્થાન અને છત્તીસગઢમાં અત્યાર સુધીના ટ્રેન્ડ દર્શાવે છે કે ’બ્રાન્ડ મોદી’ ફરી ચમકી છે. અને લોક્સભા ચૂંટણી પહેલા ભાજપ માટે આ સારા સમાચાર છે. કારણ કે થોડા મહિનામાં લોક્સભાની ચૂંટણી યોજાવાની છે. આ ત્રણ રાજ્યો એવા છે જ્યાં ભાજપે લગભગ તમામ લોક્સભા સીટો જીતી છે. ૨૦૧૯માં ભાજપે આ રાજ્યોમાં લોક્સભાની ૬૫માંથી ૬૨ બેઠકો જીતી હતી.