ગુજરાતના ગીરના સિંહો એ સૌરાષ્ટ્રનું ઘરેણુ છે. સમગ્ર દેશ અને દુનિયામાંથી પ્રવાસીઓને ગીરમાં ખેંચી લાવતા આ ડાલામથ્થા, આ સાવજોના સંરક્ષણ, જતન પ્રત્યે સરકાર કેટલી બેદરકાર છે તેના ઉડીને આંખે વળગે તેવા આંકડા સામે આવ્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને સાચી ખબર જ નથી કે ગુજરાતમાં એક વર્ષમાં કેટલા સિંહોના મોત થયા છે.ગુજરાતમાં સિંહોની વસ્તી વધી રહી હોવાના દાવા વચ્ચે બે વર્ષમાં ૨૩૯ સિંહોના મોત થયા હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જેમા ૨૧૦ સિંહોના કુદરતી જ્યારે ૨૯ સિંહના અકુદરતી મોત થયા છે.
ગુજરાત સરકાર કહે છે કે ૨૦૨૩ના વર્ષમાં ગુજરાતમાં ૧૨૨ સિંહના મોત થયા જ્યારે કેન્દ્ર સરકાર કહે છે કે ગુજરાતમાં ૨૦૨૩માં ૧૦૩ સિંહના મોત થયા છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વર્ષ ૨૦૧૯થી ૨૦૨૩માં ૫૫૫ સિંહોના મોત થયા છે વર્ષ ૨૦૧૯માં ૧૧૩ મોત, વર્ષ ૨૦૨૦માં ૧૨૪ મોત, વર્ષ ૨૦૨૧ – ૧૦૫ મોત, જ્યારે વર્ષ ૨૦૨૨માં ૧૧૦ સિંહોના મોત થયા છે. આંકડાઓની આ વિસંગતતા વચ્ચે હકીકત એ છે કે ગુજરાતમાં સિંહોના અકુદરતી મોત વધી રહ્યાં છે.
ગુજરાતમાં સિંહોના મોત મામલે લોકસભા અને વિધાનસભામા આંકડાઓમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. લોકસભાના બજેટ સત્રમાં આ અંગે કરાયેલા પ્રશ્નના ઉત્તરમાં એવો દાવો કરાયો છે કે ગુજરાતમાં ૨૦૨૩માં ૧૦૩ સિંહના મોત થયા હતા. બીજી તરફ વિધાનસભામાં રજૂ કરાયેલા પ્રશ્નના ઉત્તરમાં વર્ષ ૨૦૨૩માં ૧૨૨ સિંહના મોત થયા હતા. લોકસભામાં રજૂ કરવામાં આવેલી વિગત અનુસાર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૫૫૫ સિંહોના મોત થયા છે.
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સિંહના મોતના આંકડા પર નજર કરીએ તો વર્ષ ૨૦૨૨માં કુદરતી રીતે ૧૦૪ સિંહોના મોત થયા જ્યારે અકુદરતી રીતે ૫૯ સિંહોના મોત થયા છે, કુલ ૧૮૬ સિંહોના મોત થયા છે. વર્ષ ૨૦૨૩માં ૧૪૫ સિંહોના કુદરતી રીતે મોત થયા છે જ્યારે ૭૩ સિંહોના અકુદરતી મોત થયા છે જે કુલ મળીને ૨૧૮ સિંહોના મોત થયા છે.
અમરેલી જિલ્લાને ડાલામથ્થાનું ગઢ માનવામાં આવે છે. અહીં ખેતરોમાં કે સીમમાં જતી વેળાએ તમને સિંહનો ભેટો ન થાય તો જ નવાઈ. પણ આ સિંહોના ગઢમાં જ હવે તેઓ અસુરક્ષિત બન્યા હોય તેવુ લાગી રહ્યુ છે. ડાલામથ્થાના આ ગઢમાં સિંહની પાછળ જાણે મોત પડયુ છે. જેમા સૌથી પહેલુ કારણ છે રેલવે ટ્રેક ફરતે ફેન્સિંગનો અભાવ.
૯૦ કિલોમીટરના આવા ટ્રેક ફરતે માત્ર ૧૫ કિલોમીટરના ટ્રેક પર જ તારની વાડ છે. ગુજરાતમાં સિંહોની વસ્તી વધી રહી હોવાના સરકારના દાવા વચ્ચે આ ચોંકાવનારો ખુલાસો થયો છે. સાથે જ વન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ, ટ્રેકર્સની નિમણૂક સહિતના દાવા પણ પોકળ સાબિત થયા છે.