
- મે જે પણ કહ્યું તે રાજનીતિક રીતે સદનની બહાર હતું અંદર નહીં. તેના પર અહીં ચર્ચા કરવાની જરૂર નથી.: ખગડે
નવીદિલ્હી,
રાજ્યસભામાં આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના નિવેદન પર હંગામો મચી ગયો હતો . કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આ મુદ્દો ઉઠાવીને તેમની પાસે માફીની માંગણી કરી. તેમણે કહ્યું કે કાલે અલવરમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ અભદ્ર ભાષણ આપ્યું હતું. જે ભાષાનો ઉપયોગ કરાયો તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે જે પ્રકારની અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો, નિરાધાર વાતો કરી અને દેશ સામે જૂઠ્ઠાણું રજૂ કરવાની કોશિશ કરી, હું તેની નિંદા કરું છું, હું તેમની પાસે માફીની માંગણી કરું છું.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમણે (મલ્લિકાર્જૂન ખડગે) ભાજપ, સંસદ અને આ દેશની જનતા પાસે માફી માંગવી જોઈએ જેમણે પૂર્ણ બહુમતથી ભાજપની સરકાર બનાવી. તેમણે (ખડગે) આપણને તેમની માનસિક્તા અને ઈર્ષાની ઝલક દેખાડી. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે મને વિશ્ર્વાસ નથી થતો કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે આટલું નીચે જઈ શકે છે અને આ પ્રકારની આપત્તિજનક ટિપ્પણી કરી શકે છે. તેમણે એક રાજકીય પક્ષના નેતા તરીકે પોતાની જવાબદારીઓ સમજવી જોઈએ. આપણે દુશ્મન નથી, હરિફો છીએ, આ અરુચિકર, દુર્ભાગ્યપૂર્ણ અને બિનજરૂરી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર મંગળવારે ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ સંસદમાં હંગામો મચાવ્યો હતો. બીજેપીના નેતાઓ વતી, ખડગે પાસેથી તેમના નિવેદન માટે માફી માંગવાની માગ કરવામાં આવી હતી. ત્યારબાદ સાંસદોના હોબાળાને જોતા, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે આપણે ખૂબ જ ખોટું ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છીએ. આપણે લડતા બાળકો નથી. ૧૩૫ કરોડ લોકો આપણા પર હસી રહ્યા છે. ખડગેએ આજે ??ફરી કહ્યું, હું હજુ પણ કહી શકું છું કે સ્વતંત્રતા સંગ્રામમાં તેમની કોઈ ભૂમિકા નહોતી.
મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલે કહ્યું કે ખડગેએ દેશની માફી માંગવી જોઈએ, તેમની પાસે માફી માંગવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે ખડગેએ પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ. તેમને ઇતિહાસનું જ્ઞાન પણ નથી. તેમણે તેમની લાંબી રાજકીય સફર માટે અફસોસ કરવો જોઈએ. આઝાદી પછી શ્યામા પ્રસાદ મુખર્જી દેશની એક્તા માટેના પ્રથમ શહીદ હતા.
આ સમગ્ર વિવાદ પર મલ્લિકાર્જૂન ખડગેએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે મે જે પણ કહ્યું તે રાજનીતિક રીતે સદનની બહાર હતું અંદર નહીં. તેના પર અહીં ચર્ચા કરવાની જરૂર નથી. હું અત્યારે પણ કહી શકું છું કે સ્વતંત્રતા સંગ્રામમાં તેમની કોઈ ભૂમિકા નહતી.
અલવરની જનસભામાં શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે દેશ માટે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી, અને રાજીવ ગાંધીએ કુરબાની આપી અને પૂછ્યું કે અમારી પાર્ટીના નેતાઓએ જીવ આપ્યા છે તમે (ભાજપ) શું કર્યું? તમારા ઘરે દેશ માટે કોઈ કૂતરો પણ મર્યો છે?…શું કોઈએ કુરબાની આપી છે? ના. પરંતુ આમ છતાં તેઓ દેશભક્ત અને અમે કઈ પણ બોલીએ તો દેશદ્રોહી. ખડગેએ કહ્યું કે તેઓ લોક્તંત્રને આ પ્રકારે ખતમ કરી રહ્યા છે…ક્યારેક કાતિલ બદલાય છે…ક્યારેક ખંજર બદલાય છે…આ લોકો લોક્તંત્રને, બંધારણને ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે.