સંસદના ચોમાસુ સત્રમાં આજથી લોકસભામાં શરુ થયેલી અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચાથી 2024નો ચુંટણી ટોન જોવા મળશે. પરંતુ તે પુર્વે જ લોકસભા તથા રાજયસભામાં મણીપુર સહિતના મુદે ધમાલ સર્જાતા બંને ગૃહો બપોરે બે વાગ્યા સુધી મુલત્વી રહ્યા હતા.
તો બીજી તરફ રાજયસભામાં તૃણમુલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ’બ્રાયન એ હંગામા વચ્ચે પોતાની બેઠક પરથી ઉભા થઈને જોશજોશથી બોલવા લાગતા સભાપતિ જયદીપ ધનખડે તેમને રોકવા પ્રયત્ન કર્યો હતો પરંતુ ઓ’બ્રાયને તેમનું વકતવ્ય ચાલુ રાખતા તેમને સત્રના બાકી સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
લોકસભામાં પણ વિપક્ષોએ ગઈકાલે ભાજપના સાંસદ નિશીત દુબે દ્વારા જે રીતે કોંગ્રેસ પક્ષ પર આક્ષેપો કર્યા હતા તે મુદે ધમાલ મચાવી હતી અને અધ્યક્ષ કાર્યવાહી કરે તેવી માંગણી કરી હતી.
પરંતુ અધ્યક્ષ ઓમ બિરલાએ કોઈ પ્રતિભાવ ન આપતા કોંગ્રેસ પક્ષે ધમાલ મચાવી દીધી હતી અને બંને ગૃહો બપોર સુધી મુલત્વી રહ્યા હતા. આજે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવનો પ્રારંભ રાહુલ ગાંધી કરી રહ્યા છે અને તેમાં ભાજપ તરફથી નિશીત દુબે ચર્ચામાં પ્રથમ બોલશે.
લોકસભામાં આજે અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા શરુ થતા જ હંગામો શરુ થઈ ગયો હતો. ચર્ચામાં પ્રથમ રાહુલ ગાંધી બોલવાના હતા પરંતુ તેના બદલે કોંગ્રેસના આસામના સાંસદ ગૌરવ ગોગોઈ બોલવા લાગતા ભાજપના સાંસદોએ ધમાલ મચાવી દીધી હતી.
ગોગોઈએ સીધા વડાપ્રધાનને જ નિશાન બનાવ્યા હતા અને ત્રણ પ્રશ્ર્નો પૂછતા જબરી ધમાલ શરુ થઈ ગઈ હતી. ગૌરવ ગોગોઈએ પોતે અવિશ્વાસ પ્રસ્તાવની નોટીસ આપી હતી અને તેથી તેઓએ પોતે પહેલા બોલશે તેવો આગ્રહ રાખ્યો હતો.
આજે લોકસભામાં અવિશ્ર્વાસ પ્રસ્તાવ પરની ચર્ચામાં બોલતા ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ ગાંધી કુટુંબને નિશાન બનાવ્યુ હતું અને ચર્ચાનો પ્રારંભ રાહુલ ગાંધી કરવાના હતા તેવું લોકસભા સચીવાલય દ્વારા જણાવ્યું હતું તો શા માટે ગૌરવ ગોગોઈ કરે છે તેવો પ્રશ્ર્ન પૂછવાની સાથે તેઓએ જવાબ આપતા કહ્યું કે કદાચ રાહુલ ગાંધી મોડા જાગ્યા હશે અને આવ્યા નહી હોય તેમણે રાહુલ ગાંધીને થયેલી બે વર્ષની સજાનો ઉલ્લેખ કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટે ફકત સજા સામે હાલ ‘સ્ટે’ આપ્યો છે હજું તેનો પણ પુરા કેસનો ચૂકાદો યોજયો નથી. રાહુલ ગાંધી કહે છે કે તે માફી માંગશે નહી. કારણ કે તે સાવરકર નથી પણ મારો જવાબ છે તમો કદી સાવરકર બની શકો નહી. સાવરકરે 28 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. તેઓએ એ પણ પૂછયું કે લાલુ યાદવને અમોએ જેલમાં મોકલ્યા નથી. વિપક્ષો એક બીજા સામે લડી રહ્યા છે અને છતા કેન્દ્રમાં ગઠબંધન કરે છે.