રાજ્યસભા-લોક્સભામાં સૂત્રોચ્ચાર અને હંગામો; બંને ગૃહ આખા દિવસ માટે સ્થગિત

નવીદિલ્હી, સંસદના ચોમાસુ સત્રનો આજે સાતમો દિવસ હતો અત્યાર સુધીના છ દિવસ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે મડાગાંઠમાં પસાર થયા છે. વિપક્ષી પાર્ટીઓ મણિપુર હિંસા અને વિવાદાસ્પદ વાયરલ વીડિયો પર વડાપ્રધાન મોદીના નિવેદનની માંગ કરી રહ્યા છે. આ જ કારણ છે કે આજે પણ બંને ગૃહોમાં મણિપુર મુદ્દે ચર્ચા અને લોક્સભામાં અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર સરકાર અને વિપક્ષના સાંસદો વચ્ચે હોબાળો થયો હતો.જેને કારણે સંસદના બંન્ને ગૃહોને સોમવાર સુધી સ્થગિત કરવામાં આવ્યા છે.

’ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ બિલ’ શુક્રવારે લોક્સભામાં ભારે હોબાળો વચ્ચે રજૂ કરવામાં આવ્યું હતું. તેના દ્વારા ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ એક્ટ, ૨૦૧૭માં સુધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને નીચલા ગૃહમાં બિલ રજૂ કર્યું હતું. આ સમયે વિપક્ષી પાર્ટીઓના સભ્યો મણિપુરના મુદ્દે હોબાળો કરી રહ્યા હતા.

લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું કે સંસદની કાર્યવાહી શરૂ થયાને ૭-૮ દિવસ થઈ ગયા છે, જો અત્યાર સુધી ચર્ચાનો એક રાઉન્ડ પણ થયો હોત તો અમે કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા હોત. જો પછી (ચર્ચા પછી) તમને સરકારનો જવાબ સંતોષકારક ન લાગ્યો, તો તમે કહી શક્યા હોત કે અમને પીએમ પાસેથી જવાબ જોઈએ છે અને તમે ઈચ્છો તેટલો હંગામો મચાવી શક્યા હોત.

આરજેડીના સાંસદ મનોજ ઝાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ વ્યક્તિ (ઇડી ડાયરેક્ટર એસ.કે. મિશ્રા)નો કાર્યકાળ ગેરકાયદેસર છે તે પછી પણ કેન્દ્ર સરકારનું એક પ્રતિનિધિમંડળ એ જ કોર્ટમાં ગયું અને ૧.૫ મહિનાનું વિસ્તરણ માંગ્યું. કલ્પના કારણો’ માટે અપીલ કરી. કેટલાક રાજ્યોમાં રાજકીય અશાંતિ સર્જવા માટે આ એક્સટેન્શન આપવામાં આવ્યું છે. કેન્દ્ર દ્વારા એજન્સીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

મણિપુરની સ્થિતિ પર ઉપલા ગૃહમાં ભારે સૂત્રોચ્ચાર થયા હતા. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયન અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પછી રાજ્યસભા આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી.વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે લોક્સભાની કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી ત્યારબાદ ગૃહ સ્થગિત કરવામાં આવ્યું હતું.