રાજ્યપાલોને સુપ્રીમકોર્ટેે આપી સલાહ! સરકાર દ્વારા મોકલાયેલા બિલ લટકાવી ખાલી ખોટું વિલંબ ન કરશો

નવીદિલ્હી,તેલંગાણા સરકારે રાજ્યપાલ ટી.સુંદરરાજન દ્વારા બિલ પર નિર્ણય નહીં લેવાને કારણે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સરકારનું કહેવું છે કે રાજ્યપાલ દ્વારા બિલ અંગે એક મહિનો થઈ જવા છતાં સરકાર દ્વારા મોકલાયેલા બિલ પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. આ બિલ વિધાનસભામાં પસાર કરીને મોકલાયા હતા.

તેના પર કોર્ટે રાજ્યપાલની કામગીરી અંગે બંધારણમાં આપવામાં આવેલી કલમ ૨૦૦નો ઉલ્લેખ કર્યો. બેન્ચે કહ્યું કે રાજ્યપાલે જેટલું સંભવ હોય તેટલી જલદી બિલ પર નિર્ણય કરવો જોઈએ. સહમતિ હોય તો તાત્કાલિક મંજૂરી આપે અને જો અસહમતિ હોય તો તાત્કાલિક પરત મોકલી દે. ચીફ જસ્ટિસડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ પી.એસ.નરસિમ્હાની બેન્ચે કહ્યું કે બંધારણની કલમ ૨૦૦ના પ્રથમ સેક્શનમાં કહેવાયું છે કે રાજ્યપાલોએ તેમની સમક્ષ રજૂ કરાયેલા બિલને તાત્કાલિક મંજૂરી આપવી જોઇએ અથવા તેને પરત કરી દેવા જોઈએ. જોકે નાણા બિલને રાજ્યપાલે મંજૂરી જ આપવાની હોય છે.

આ દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની બેન્ચે કહ્યું કે અમારો આ આદેશ ફક્ત આ મામલા સાથે જોડાયેલો નથી પણ તમામ બંધારણીય સંસ્થાઓ માટે તે મહત્ત્વપૂર્ણ છે. કોર્ટે કહ્યું કે બંધારણમાં એ ભાવના છે કે તમામ સંસ્થાઓએ સમયસર નિર્ણય લેવો જોઇએ. ગત મહિને જ આ મામલે કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી હતી.