- આ વિધાનસભાનું અપમાન છે,વિપક્ષ યુડીએફ ગઠબંધન અને કોંગ્રેસ નારાજ
તિરુવનંતપુરમ, વિપક્ષી યુડીએફ ગઠબંધને કેરળ વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનના ટૂંકા સંબોધન પર નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફ ગઠબંધને વિધાનસભામાં રાજ્યપાલના ટૂંકા ભાષણને ’લોકશાહીની મજાક’ ગણાવ્યું હતું. આ ઉપરાંત યુડીએફએ પણ તેને વિધાનસભાનું અપમાન ગણાવ્યું હતું. કેરળ વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. રાજ્યપાલનું ભાષણ બજેટ સત્રની શરૂઆતમાં આપવામાં આવ્યું હતું, પરંતુ રાજ્યપાલે આ સંબોધનનો માત્ર છેલ્લો ફકરો વાંચ્યો હતો અને થોડીવાર પછી વિધાનસભા છોડી દીધી હતી.
કેરળમાં વિપક્ષના નેતા વીડી સતીસને કહ્યું, ’રાજ્યપાલે તેમના સંબોધનનો માત્ર છેલ્લો ફકરો વાંચવો એ વિધાનસભાનું અપમાન છે. આ ઉપરાંત, આ બંધારણની સૂચનાઓ અને વિધાનસભાના નિયમોની અવગણના છે. અમે આનો સખત વિરોધ કરીએ છીએ. રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચે આ ખૂબ જ નીચા સ્તરનું નાટક ચાલી રહ્યું છે. કેરળ વિધાનસભામાં નાયબ વિપક્ષી નેતા પીકે કુણાલીકુટ્ટી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તિરુવંચુર રાધાકૃષ્ણાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. બંનેએ રાજ્યપાલના ટૂંકા ભાષણને લોકશાહીની મજાક સમાન ગણાવ્યું હતું.
કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને રાજ્યની એલડીએફ સરકાર વચ્ચે ઘણા મુદ્દાઓને લઈને તણાવ ચાલી રહ્યો છે. આ તણાવ રાજ્યની યુનિવર્સિટીઓના કામકાજને લઈને છે અને રાજ્યપાલ ઘણા બિલો પર સહી નથી કરતા. સીપીઆઈ(એમ), તેની યુવા પાંખ ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને તેની વિદ્યાર્થી પાંખ સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ભૂતકાળમાં ઘણી વખત રાજ્યપાલનો વિરોધ કરવામાં આવ્યો છે.
રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચેની આ ખેંચતાણ બજેટ સત્રની શરૂઆતમાં પણ દેખાઈ હતી, જ્યારે રાજ્યપાલ સવારે ૯ વાગ્યે વિધાનસભા પહોંચ્યા અને કહ્યું કે તેઓ સંબોધનનો માત્ર છેલ્લો ફકરો વાંચશે. આ પછી તેઓ સવારે ૯.૦૨ વાગ્યે પોતાનું સંબોધન પૂરું કરીને સવારે ૯.૦૪ વાગ્યે વિધાનસભામાંથી નીકળી ગયા હતા. રાજ્યપાલે ૬૧ પાનાના સંબોધનનો માત્ર છેલ્લો ફકરો વાંચ્યો અને માત્ર એક મિનિટ અને ૧૫ સેકન્ડમાં પોતાનું સંબોધન પૂરું કર્યું.