
રાજભવનમાં આજે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર અને ત્રણ માહિતી કમિશનર્સનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજ્ય માહિતી આયોગના નવનિયુક્ત માહિતી કમિશનર્સને પદ અને નિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌપ્રથમ મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષચંદ્ર આર. સોનીને શપથ લેવડાવ્યા હતા અને તેમને શુભકામનાઓ પાઠવી હતી. તત્પશ્ર્ચાત રાજ્યપાલશ્રીએ માહિતી આયોગના માહિતી કમિશનર પદ માટે સુબ્રહ્મણ્યમ રામચંદ્ર ઐયર, મનોજ વિઠ્ઠલભાઈ પટેલ અને નિખિલ આર. ભટ્ટને શપથ લેવડાવ્યા હતા. ત્રણેય રાજ્ય માહિતી કમિશનરશ્રીએ પદ અને નિષ્ઠાના શપથ લીધા હતા.રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ રાજેશ માંજુએ શપથવિધિની કાર્યવાહીનું સંચાલન કર્યું હતું.આ અવસરે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, ગુજરાત રાજ્ય માહિતી આયોગના પૂર્વ મુખ્ય માહિતી કમિશનર અમૃતભાઈ પટેલ, પૂર્વ માહિતી કમિશનરશ્રીઓ, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
