રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બોટાદ ખાતે યોજાયેલા ૭૪મા પ્રજાસત્તાક પર્વના રાજયકક્ષાના મહોત્સવમાં રાષ્ટ્રવજ ફરકાવી સલામી આપી

  • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી.

બોટાદ,

બોટાદ ખાતે ૭૪મા પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી નિમિત્તે રાજ્યપાલશ્રી આચાર્યદેવવ્રતજીએ રાષ્ટ્રવજ ફરકાવીને સલામી આપી હતી. વાયુદળના હેલિકોપ્ટર દ્વારા વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરેડ નિરીક્ષણ કર્યુ હતું. ૨૮ વિવિધ પ્લાટુનના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ દ્વારા તિરંગાને સલામી આપીને ઉપસ્થિત સૌને દેશભક્તિના રંગે રંગ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની વિશેષ પહેલ અંતર્ગત મધ્યપ્રદેશની પોલીસ પ્લાટૂને પરેડમાં ભાગ લઈને રાષ્ટ્રીય એક્તાના સંદેશને ઉજાગર કર્યો હતો.

આ પાવન અવસરે પરેડ દરમિયાન ભારતીય કોસ્ટ ગાર્ડ, ગુજરાત મરીન કમાન્ડો, ચેતક કમાન્ડોઝ, બોટાદ જિલ્લા પોલીસ પ્લાટુન, ભાવનગર જિલ્લા પોલીસ પ્લાટુન, રાજકોટ જિલ્લા મહિલા પોલીસ પ્લાટુન, ગુજરાત જેલ પુરુષ પ્લાટુન, શ્ર્વાનદળ, અશ્ર્વદળ, બેન્ડદળ સહિત ૨૮ પ્લાટુનોમાં ૯૨૦ જેટલાં સુરક્ષા દળના જવાનો સહભાગી બન્યા હતા. આ ઉપરાંત ચેતક કમાન્ડોના બુલેટ પ્રૂફ વાહનોનું નિદર્શન, દિલધડક મોટર સાઈકલ સ્ટંટ શો તેમજ રાજ્યના ગૌરવવંતા શ્ર્વાનદળ તેમજ અશ્ર્વદળ એ વિવિધ સ્ટંટસ સાથે કૌવત અને કૌશલ્ય દેખાડ્યું હતું.

રાજ્ય પોલીસ વિભાગ દ્વારા સંગીતના તાલે લાઠી ડ્રિલ તેમજ મલખમ દ્વારા અદ્વિતીય શૌર્ય અને શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ૧૦ કિલોથી વધુ વજન ધરાવતી રાઈફલ્સ સાથે મહિલા પોલીસ કમાન્ડોએ સુંદર કરતબોની પ્રસ્તુતિ દ્વારા સૌ કોઈને રોમાંચિત કર્યા હતા. મહિલા અને પુરુષ પોલીસ જવાનો દ્વારા ગુજરાત, પંજાબ, રાજસ્થાન સહિતના પાંચ રાજ્યોના વિવિધ પરંપરાગત નૃત્યની પ્રસ્તુતિ સાથે વીરરસથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બોટાદની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ખૂબ જ પ્રખ્યાત રચના ચારણ કન્યા;, વંદન તુજને મા ભારતી ગીત, કાનુડો કાળજાની કોર ગરબાના તાલ સાથે નૃત્યપ્રસ્તુતિ થકી બોટાદવાસીઓને ડોલાવ્યા હતા.

રાજ્યપાલશ્રીના વરદ હસ્તે અને મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં પરેડ કરનાર પ્લાટૂનમાંથી પ્રથમ ક્રમે આવનાર ચેતક કમાન્ડો પ્લાટૂન, બીજા ક્રમે આવનાર રાજકોટ ગ્રામ્ય મહિલા પોલીસ પ્લાટૂન તથા ત્રીજા ક્રમે મધ્યપ્રદેશ પુરુષ પ્લાટૂનને ટ્રોફી એનાયત કરીને સન્માનવામાં આવ્યા હતા. આ ઉપરાંત,મોટર સાઇકલ સ્ટંટ શોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી એસ.આર.પી.જવાનોની ટીમને તથા ડોગ શો, અશ્ર્વ શો, પરેડ પ્લાટૂનમાં ઉત્કૃષ્ટ નિદર્શન બદલ પોલીસ જવાનોને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે વયનિવૃત્ત થઈ રહેલા ગુજરાત પોલીસના અશ્ર્વ – ને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુંદર આભૂષણ ઝૂલ પહેરાવીને સન્માનપૂર્વક વય નિવૃત્તિ આપવામાં આવી હતી. આ ઉપરાંત, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પરેડમાં સહભાગી થનાર તમામ જવાનો અને વિદ્યાર્થીઓ વચ્ચે જઈને તેમને શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી, ભાવનગરના સાંસદ શ્રીભારતીબેન શિયાળ, બોટાદના ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણા, ગઢડાના ધારાસભ્યશ્રી મહંતશ્રી શંભુપ્રસાદજી ટુંડીયા, ધંધુકાના ધારાસભ્યશ્રી કાળુભાઇ ડાભી, જંબુસરના ધારાસભ્ય શ્રી ડી. કે . સ્વામી, રાજ્યના મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ શ્રી રાજકુમાર, રાજ્ય પોલીસ વડાશ્રી આશિષ ભાટિયા, અધિક મુખ્ય સચિવશ્રી એ.કે.રાકેશ, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્રસચિવશ્રી અશ્ર્વિની કુમાર, જિલ્લાના પ્રભારી સચિવ શ્રી સંજીવ કુમાર, બોટાદ જિલ્લા કલેકટર શ્રી બીજલ શાહ,બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.ડી.પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે.એફ.બળોલિયા,સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીશ્રીઓ, વિવિધ સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં શાળા કોલેજોના વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.