
- હું ખુશ છું કે મને ફરી એકવાર સભ્યપદ કાર્ડ મળ્યું છે, જે મારી પાસે છે.
હૈદરાબાદ, તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને બુધવારે ફરી એકવાર ભાજપ સાથે હાથ મિલાવ્યા છે. તેમણે બે દિવસ પહેલા રાજ્યપાલ પદેથી રાજીનામું આપી દીધું હતું.ભાજપમાં જોડાયા બાદ સુંદરરાજને કહ્યું, ’હું ચૂંટણી લડવા માંગુ છું અને મેં મારી પાર્ટી સમક્ષ પણ આ ઈચ્છા વ્યક્ત કરી છે. હું ખુશ છું કે મને ફરી એકવાર સભ્યપદ કાર્ડ મળ્યું છે, જે મારી પાસે છે. આ સૌથી ખુશીનો દિવસ છે. આ એક મુશ્કેલ નિર્ણય છે અને સારો નિર્ણય પણ છે. ગવર્નર તરીકે મારી પાસે ઘણી સુવિધાઓ હતી, પરંતુ મેં તે છોડી દીધી. મને તેનો એક ટકા પણ અફસોસ નથી. તમિલનાડુમાં કમળ ચોક્કસપણે ખીલશે.
પુડુચેરીના રાજભવન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં તેમણે આ કેન્દ્ર શાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નરનું પદ છોડવાની પણ માહિતી આપી હતી. એક સત્તાવાર રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, ’તેલંગાણાના માનનીય રાજ્યપાલ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર ડૉ. તમિલિસાઈ સૌંદરરાજને તાત્કાલિક અસરથી તેમનું રાજીનામું આપ્યું છે. રાજીનામું ભારતના માનનીય રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યું છે.
રાજીનામાની જાહેરાત કર્યાના થોડા સમય બાદ તેમણે કહ્યું કે તેમના પર આવું કરવા માટે કોઈ દબાણ નથી. હવે તે લોક્સેવા કરવા માંગે છે. તેમણે કહ્યું હતું કે તેમણે રાજ્યપાલ તરીકેનો તેમનો કાર્યકાળ ખૂબ જ માણ્યો હતો. આ સમય દરમિયાન, જ્યારે તેણીને પૂછવામાં આવ્યું કે તેણીનું આગળનું પગલું શું હશે અને શું તે આગામી લોક્સભાની ચૂંટણી લડશે? આના પર તેણે કહ્યું કે તે તેના પ્લાન વિશે પછીથી જણાવશે.
નોંધનીય છે કે તમિલિસાઈ સુંદરરાજનને નવેમ્બર ૨૦૧૯માં તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી, તેમને ફેબ્રુઆરી ૨૦૨૧ માં પુડુચેરીના ગવર્નરનો વધારાનો હવાલો આપવામાં આવ્યો.
ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તમિલિસાઈ સુંદરરાજન આ વખતે ભાજપની ટિકિટ પર તમિલનાડુથી ચૂંટણી લડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ તેમને ડીએમકે નેતા કનિમોઝી સામે પણ મેદાનમાં ઉતારી શકે છે. સુંદરરાજન ૨૦૧૯ની ચૂંટણી લડ્યા હતા. જોકે કનિમોઝી સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે, ૨૦૦૯ માં, તે ચેન્નાઈ (ઉત્તર) બેઠક પરથી ઉમેદવાર હતી. ૬૩ વર્ષના સુંદરરાજન વ્યવસાયે ડૉક્ટર છે. તેમના પતિ સુંદરરાજન પણ ડૉક્ટર છે. તેમનો જન્મ ૨ જૂન ૧૯૬૧ના રોજ તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં થયો હતો. તમિલિસાઈ સૌંદરરાજને મદ્રાસ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી નેતા તરીકે તેમની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. તેણે એથિરાજ કોલેજ ઓફ વુમનમાં પણ અભ્યાસ કર્યો છે. તેમણે રામચંદ્ર મેડિકલ કોલેજ, ચેન્નાઈમાં સહાયક પ્રોફેસર તરીકે કામ કર્યું છે. તેમને બે બાળકો છે, જેઓ વ્યવસાયે ડોક્ટર છે.
તેમના પિતા કે અનંતન ભૂતપૂર્વ સાંસદ અને તમિલનાડુમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા છે. તેમના પિતરાઈ ભાઈ અભિનેતા અને ઉદ્યોગપતિ બનેલા રાજકારણી વિજય વસંત છે. ટી સુંદરરાજન તમિલનાડુના નાદર સમુદાયમાંથી આવે છે. કન્યાકુમારી, થૂથુકુડી, તિરુનેલવેલી અને વિરુધુનગર જિલ્લામાં નાદર સમુદાય પ્રબળ સ્થિતિમાં છે. તમિલનાડુ અને ભારત બંનેની સરકારો દ્વારા નાદર સમુદાયને અન્ય પછાત વર્ગ તરીકે વર્ગીકૃત અને સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. ભાજપે છેલ્લા ૧૦ વર્ષમાં તમિલનાડુમાં ખૂબ મહેનત કરી છે. જોકે, ૨૦૧૯માં અહીં તેમનું ખાતું પણ ખોલવામાં આવ્યું ન હતું. આમ છતાં રાજ્ય એકમ હોય કે પીએમ મોદી, તેઓ લાંબા સમયથી અહીં સતત કેમ્પ કરી રહ્યા છે.