
અમદાવાદ,
રાજ્યમાં કડકડતી ઠંડીના રાઉન્ડ બાદ છેલ્લા લગભગ ત્રણેક દિવસથી પારો ઉચકાયો છે. પવનની ગતિ ધીમી પડતાં અને તપામાનમાં વધારો થતાં લોકોને ઠંડીમાં રાહત મળી છે. રાજ્યના વિવિધ શહેરોમાં તપામાનમાં વધારો થતો જોવા મળ્યો છે. લુધત્તમ તાપમાન ઉચકાતા ઠંડીમાં ઘટાડો થયો છે. બીજી બાજુ, આગામી પાંચ દિવસ કડકડતી ઠંડીથી રાહત મળશે. વહેલી સવારે અને મોડી સાંજે જ ઠંડી અનુભવાઇ રહી છે.
અમદાવાદમાં પણ તપામાનમાં વધારો થયો છે. શહેરમાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી સુધી પહોંચી જતાં ઠંડીમાં રાહત મળી હતી. બીજી બાજુ, હવામાન વિભાગ અનુસાર, આગામી ચાર પાંચ દિવસ ઠંડીમાં રાહત મળશે. જ્યારે અમદાવાદનું તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે રાજ્યમાં ૧૧.૩ ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.
રાજ્યના વાતાવરણમાં થઇ રહેલા બદલાવને પગલે વાઇરલ ઇન્ફેક્શન સહિતના રોગો પણ વધી રહ્યા છે. બાળકો અને વૃદ્ધોને તેની અસર થઇ રહી છે. તાપમાન ઉચકાતા લોકોને સામાન્ય ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે, જ્યારે વહેલી સવારે અને મોડી સાંજે ઠંડી અનુભવાઇ રહી છે. નોંધનીય છે કે, આગામી ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સુધી ગગડતાં ઠંડીમાં સાધારણ વધારો થઇ શકે છે.
રાજ્યમાં અમદાવાદમાં ૧૬.૭, ભુજ ૧૪.૪, વડોદરા ૧૪.૬, ભાવનગર ૧૬.૪, અમરેલી ૧૬.૭. ગાંધીનગર ૧૫.૨, દાહોદ ૧૧.૩, નલિયા ૧૨.૫, ડીસા ૧૪.૮, જૂનાગઢ ૨૦.૨, રાજકોટ ૧૭.૨, પંચમહાલ ૧૩.૧, વલસાડ ૧૪.૯, નર્મદામાં ૧૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહીવત છે. ત્યાર બાદ બે દિવસમાં લધુત્તમ તાપમાન ૨-૩ ડિગ્રી ઘટતા ઠંડીમાં સામાન્ય વધારો થઇ શકે છે.