રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો, ૮.૨ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર

  • જાન્યુઆરી મહિનામાં કમોસમી વરસાદની આગાહી

અમદાવાદ, રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાયો છે. જેમાં ૨૧ શહેરોમાં તાપમાન ૧૬ ડિગ્રી આસપાસ નોંધાયું છે. તેમજ ૮.૨ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યુ છે. અમરેલીમાં ૧૦ ડિગ્રી, પોરબંદર અને કેશોદમાં ૧૧ ડિગ્રી તથા રાજકોટ અને ડિસામાં તાપમાન ૧૧ ડિગ્રી છે.સુરેન્દ્રનગર અને કંડલામાં ૧૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહુવામાં ૧૩ ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં ૧૫ ડિગ્રી સાથે અમદાવાદમાં તાપમાન ૧૪.૫, ગાંધીનગરમાં ૧૩.૦, ડીસા ૧૧.૩ ડિગ્રી તાપમાન, વલ્લભ વિદ્યાનગર ૧૫.૫ ડિગ્રી તથા વડોદરા ૧૬.૦ ડિગ્રી તાપમાન, સુરત ૧૬.૨ ડિગ્રી તાપમાન છે. સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જેમાં કચ્છ જિલ્લામાં પણ લોકો હાડ થીજવતી કાતિલ ઠંડીનો સામનો કરી રહયા છે.

કચ્છના કોલ્ડસીટી ગણાતા નલિયામાં ઠંડીનો પારો સિંગલ ડિઝીટમાં નોંધાઇ રહ્યો છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. કચ્છના નલિયા અને પાટનગર ગણાતા ભુજ શહેરમાં ઠંડીનો પારો ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તે પ્રકારની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં ભુજ ૧૧.૮ ડિગ્રી તાપમાન, કંડલા ૧૨.૨ ડિગ્રી તાપમાન છે. તથા અમરેલી ૧૦.૪ ડિગ્રી તાપમાન, પોરબંદર ૧૧.૨ ડિગ્રી, રાજકોટ ૧૧.૫ ડિગ્રી તાપમાન , સુરેન્દ્રનગર ૧૨.૪ ડિગ્રી સાથે મહુવા ૧૩.૧ ડિગ્રી, કેશોદ ૧૧.૦ ડિગ્રી તાપમાન છે.

રાજ્યમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગે પાંચ દિવસ સુધી કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ છે.આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતાં તાપમાન ઊંચું નોંધાયું હતું. ગુજરાતમાં આ વર્ષે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડી નથી પડી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી ઓછી પડી.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા બુલેટિનમાં જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન તાપમાનની સંભવિત આગાહી આપતાં કહેવામાં આવ્યું હતું કે દેશના ઘણા ભાગોમાં માસિક લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. ઉત્તર ભારતના કેટલાક ભાગોને બાદ કરતાં, આ સ્થળોએ લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચું રહેવાની શક્યતા છે.

બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જાન્યુઆરી મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદ થવાની સંભાવના છે. આ સાથે તેમણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું નહીં પડે.

એક લો પ્રેસર અરબી સમુદ્રમાં તૈયાર થઇ રહ્યું છે આ લો પ્રેશર ધીમે ધીમે આગળ વધશે તેની સાથે ૬ કે ૭ જાન્યુઆરી આસપાસ ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારો પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થવાનું છે. દક્ષિણ ભારત તરફથી વરસાદની સિસ્ટમ છે જે અરબી સમુદ્રના માર્ગે ઉત્તર અને ઉત્તર પૂર્વના માર્ગે આગળ વધવાની છે. આ બંનેના સંયોગને કારણે ૮થી ૧૧ જાન્યુઆરીની વચ્ચે ગુજરાત પર એક સિયર ઝોન સર્જાશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ માવઠા થાય તેવી શક્યતા છે.