
પશ્ર્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીની સરકાર વિરુદ્ધ ભડકેલો જનાક્રોશ શાંત થવાનું નામ નથી લેતો. બીજી બાજુ, ભાજપ અને ટીએમસી તેમ જ રાજ્ય વિરુદ્ધ કેન્દ્રની લડાઈ પણ ઉગ્ર બની છે. રાજ્યપાલ સીવી આનંદ બોસ દિલ્હી પહોંચ્યા છે. ૧૦ દિવસમાં બીજી વાર તેમણે ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી છે. રાજ્યપાલની શાહ સાથેની આ મીટિંગ પછી ફરી એક વાર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની અટકળો તેજ થઈ ગઈ છે.
આ મુલાકાત પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બળાત્કારને લઈને આપેલા નિવેદન પછી થઈ છે, જેમાં રાજ્યમાં કેન્દ્રીય હસ્તક્ષેપની તૈયારી માનવામાં આવી હતી. અત્યાર સુધી કેન્દ્ર સરકારે આ મુદ્દે કોઈ સ્પષ્ટીકરણ નથી આપ્યું, પણ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટે પીએમ મોદીની મૌન સ્વીકૃતિ માનવામાં આવે છે. ઉપ રાષ્ટ્રપતિએ પણ કહ્યું છે કે જ્યાં મહિલાઓનું સન્માન નથી, એ લોક્તંત્ર કલંક્તિ છે.
રાજ્યપાલ બોસ ગૃહપ્રધાનને મળવા પહોંચ્યા હતા અને તેમણે કોલકાતાના આરજી કર કોલેજમાં ટ્રેની ડોક્ટરથી થયેલા બળાત્કાર અને હત્યા કેસમાં ચાલી રહેલી કાર્યવાહીની માહિતી આપી હતી. આ કેસ પછી રાજ્યમાં બગડેલી સ્થિતિ અને જનતામાં ફેલાયેલા આક્રોશને લઈને પણ રિપોર્ટ આપ્યો હતો.બીજી બાજુ, પશ્ર્ચિમ બંગાળની ઘટનાને લઈને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ પશ્ર્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગ કરતાં કહ્યું હતું કે રાજ્યમાં એક મહિલા ઝ્રસ્ હોવા છતાં ત્યાં મહિલાઓ સુરક્ષિત નથી.
આ પહેલાં રાજ્યપાલ બોસ આશરે ૧૦ દિવસ પહેલાં દિલ્હી પહોંચ્યા હતા., ત્યારે પણ તેમણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી. એ સમયે પણ તેણે આ કેસનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપ્યો હતો, ત્યારથી મમતા બેનરજી સરકારની ઊલટી ગણતરી શરૂ થઈ છે