અમદાવાદ,ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સ્વાઈન ફ્લૂના કેસ પણ સતત વધી રહ્યાં છે. રાજ્યમાં પાછલા બે મહિનામાં સ્વાઈન ફ્લૂના ૭૪ દર્દી નોંધાયા છે. તો એક દર્દીનું સ્વાઈન ફલૂ થી મૃત્યુ પણ થયું. ગુજરાતમાં ૬ વર્ષમાં સ્વાઈન ફ્લૂના ૯૩૪૪ કેસ સામે આવ્યા છે. જ્યારે ૩૨૪ વ્યક્તિઓના મૃત્યુ પણ થયા છે. સ્વાઈન ફ્લૂના કેસ મામલે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. તેલંગાણામાં સૌથી વધારે ૫૪૫ સ્વાઈન ફ્લૂના કેસ મળ્યાં.
આ તરફ કોરોનાના કેસ પણ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે બેવડી આફત સર્જાઈ છે. બેવડી ૠતુના કારણે તાવના કેસમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના રેકોર્ડ ૧૪૯૧ દર્દી નોંધાયા છે. આ પૂર્વે ૨૧ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન વાયરલ ઈન્ફેક્શનના ૧૪૧૯ કેસ નોંધાયા હતા.
કમોસમી વરસાદના પગલે ડબલ સિઝન થતા વાયરલ કેસમાં મોટો વધારો થયો છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ૬ દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી એક ૮ મહિનાનું બાળક ઓક્સિજન પર છે. તો ૮૮ વર્ષના વૃદ્ધ વેન્ટિલેટર પર રખાયા છે. જ્યારે એક દર્દી બાયપેપ પર છે. બાકીના ૩ દર્દીની તબિયત સ્થિર છે.
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ૨૬ માર્ચના રોજ કોરોનાના નવા ૩૦૩ કેસ નોંધાયા છે. જ્યારે વલસાડમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.જેમાં અમદાવાદમાં ૧૧૮, રાજકોટમાં ૩૦, સુરતમાં ૨૫, મોરબીમાં ૧૭, વડોદરામાં ૧૬, રાજકોટ જિલ્લામાં ૧૪, વડોદરા જિલ્લામાં ૧૪, સુરત જિલ્લામાં ૦૮, અમરેલીમાં ૦૬, જામનગરમાં ૦૬, મહેસાણામાં ૦૬, સાબરકાંઠામાં ૦૬, ભાવનગરમાં ૦૫, કચ્છમાં ૦૫, બનાસકાંઠામાં ૦૪, પાટણમાં ૦૪, વલસાડમાં ૦૪, ગાંધીનગરમાં ૦૩, પોરબંદરમાં ૦૩, અમદાવાદ જિલ્લામાં ૦૨, આણંદમાં ૦૨, નવસારીમાં ૦૨, ભરૂચ ૦૧,ભાવનગરમાં ૦૧અને ખેડામાં ૦૧ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ ૧૬૯૭ એ પહોંચ્યા છે. જેમાં કોરોના રિકવરી રેટ ૯૯.૦૦ ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી ૧૩૪ દર્દી સાજા થયા છે.