રાજ્ય સરકારે વિશેષ શાળાઓની સંખ્યામાં ૮૦ ટકા ઘટાડો કર્યો

અમદાવાદ, એક વર્ષ પહેલાં રાજ્ય સરકારે શિક્ષણ સુધારણા હેઠળ મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ પ્રોજેક્ટની ઘોષણા કરી હતી. આ યોજના અંતર્ગત જાહેર-ખાનગી ભાગીદારી મોડલ હેઠળ ૫૦ જ્ઞાન શક્તિ નિવાસી શાળાઓ, ૨૫ જ્ઞાન શક્તિ આદિજાતિ નિવાસી શાળાઓ અને ૧૦ રક્ષા શક્તિ શાળાઓ સ્થાપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી.

સરકાર દ્વારા જાહેરાત કરવામા આવેલ આ વિશેષ શાળાઓ ગરીબ પરિવારોના વર્ગ ૬ થી ૮ ના હોનહાર વિદ્યાર્થીઓને મફત શિક્ષણ પ્રદાન કરવાનો ઉદેશ્ય છે. જેના બાદ સરકારે હવે જ્ઞાન શક્તિ નિવાસી શાળાઓ અને જ્ઞાન શક્તિ આદિજાતિ નિવાસી શાળાઓની સંખ્યા ઘટાડીને કુલ ૨૦ અને રક્ષા શક્તિ શાળાઓની સંખ્યા ૫ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યનો શિક્ષણ વિભાગ ૨૫ શાળાઓમાં ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે. વિભાગને આ શાળાઓ સ્થાપવા માટે ખાનગી શાળાઓ પાસેથી લગભગ ૩૦૦ અભિપ્રાયો પ્રાપ્ત થયા હતા.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ વિભાગે ચકાસણી બાદ તેમાંથી ૧૫૦ ની પસંદગી કરી અને યાદી ટૂંકી કરીને ૭૫ કરી. સરકારે આખરે ૨૦ અરજદારોની પસંદગી કરી છે. વિભાગ દરેક જ્ઞાન શક્તિ નિવાસી અને આદિજાતિ શાળામાં ૩૦૦ વિદ્યાર્થીઓ અને દરેક રક્ષા શક્તિ નિવાસી શાળામાં ૪૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ યોજના હેઠળ રાજ્યની જુદી જુદી શાળાઓની માળખાકીય સગવડો તેમજ શિક્ષણની પદ્ધતિમાં સુધારા માટે ૧૧૮૮ કરોડનો ખર્ચ કરવામાં આવશે.