રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ એક પણ ઉમેદવાર ઉભો નહી કરે

અમદાવાદ,,ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો ઓછા હોવાથી રાજ્યસભાની કોંગ્રેસ ચૂંટણી નહીં લડે. જી હા…કોંગી નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સંખ્યાબળના અભાવે ચૂંટણી પ્રક્રિયાથી કોંગ્રેસ દૂર રહેશે. આ સાથે જ ગુજરાત વિધાનસભામાં ૧૫૬ ની પ્રચંડ બહુમતી સાથે, ભાજપ આગામી મહિને યોજાનારી ચાર રાજ્યસભા બેઠકો માટેની આગામી ચૂંટણીમાં ચારે બેઠકો પર બિનહરીફ રીતે કબજો કરવા લગભગ તૈયાર છે.

ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનુ સંખ્યાબળ જોતાં ચારેય બેઠકો ભાજપને ફાળે જાય તેની પુરેપુરી શક્યતા છે. આ ચારેય બેઠકોની ચૂંટણી માટે ભાજપ કોણે સાંસદ તરીકે પસંદ કરશે તે અંગે અત્યારથી રાજકીય અટકળો શરૂ થઇ છે. ભાજપને ચાર બેઠક માટે ૧૪૮ મત જોઇએ, ૧૫૬ મત અકબંધ છે.

રાજ્યની સભાની આ ચારેય બેઠકો માટે ચૂંટણી યોજાય તો એક સાંસદને જીતવા માટે ૩૭ મત જોઇએ. ચાર બેઠકો જીતવા માટે ભાજપને ૧૪૮ મતોની જરૂર છે. ભાજપ પાસે ૧૫૬ ધારાસભ્યોનું સંખ્યાબળ છે, તે જોતાં ચારેય બેઠકો ભાજપ સરળતાથી જીતી જશે. કોંગ્રેસને એક બેઠક માટે પણ ૨૨ મતો ખુટે છે. આ જોતાં કોંગ્રેસ તો ચૂંટણી મેદાને ઉમેદવાર પણ ઉભા નહી રાખે તેવી સ્થિતી સર્જાઇ છે. આમ, ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તેવી પુરેપૂરી શક્યતા જોવાઇ રહી છે.

રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારે રાજ્ય વિધાનસભામાં ઓછામાં ઓછા ૩૬ મત મેળવવા જરૂરી હોય છે. તમને જણાવી દઈએ કે, ઉમેદવારી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ ૧૫ ફેબ્રુઆરી છે.