રાજ્યસભાના સભ્ય સંજય રાઉતને વિચાર્યા વિના આક્ષેપો કરવાની ટેવ છે : ફડણવીસનો પલટવાર

મુંબઇ,

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેના પુત્ર તરફથી “જીવને ખતરો” હોવાના આક્ષેપ કર્યાના પગલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાજ્યસભાના સભ્ય સંજય રાઉતને વિચાર્યા વિના આક્ષેપો કરવાની ટેવ છે, પરંતુ તેમ છતાં તેમના આક્ષેપોની સમીક્ષા કરવા માટે સંબંધિત અધિકારીઓને પત્ર મોકલવામાં આવશે.

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે મંગળવારે પોલીસને પત્ર લખીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર તરફથી “જીવનને ખતરો” હોવાનો આક્ષેપ કર્યો હતો. શિંદે કેમ્પના એક ધારાસભ્યએ તેને “હલકી યુક્તિ” ગણાવી હતી. જ્યારે પત્ર વિશે પૂછવામાં આવ્યું ત્યારે ફડણવીસે કહ્યું, “રાઉત વિચાર્યા વિના આક્ષેપો કરી રહ્યા છે અને અમને ખબર નથી કે તેમને શું જવાબ આપવો. પહેલા અમે તેમના આરોપોનો જવાબ આપતા હતા.” તેમણે રાઉત પર કટાક્ષ કરતા કહ્યું હતું કે સંજય રાઉત સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મને લાગે છે કે તેઓ આવા આક્ષેપો કરીને સનસનાટી મચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓએ વિચાર્યું હશે કે તેનાથી તેમને થોડી સહાનુભૂતિ મળશે, પરંતુ ખોટા આરોપો કરવાથી તમને સહાનુભૂતિ મળતી નથી. તેમણે માત્ર પ્રચાર માટે આરોપો લગાવ્યા છે”

ઉલ્લેખનીય છે કે સંજય રાઉતે તેમના પત્રમાં કહ્યું હતું કે, “થાણેથી લોક્સભાના સભ્ય શ્રીકાંત શિંદે (એકનાથ શિંદેનો પુત્ર)એ મને મારવા માટે. એક ગુનેગાર રાજા ઠાકુરને સોપારી આપી છે. મારી પાસે આ સંદર્ભે નક્કર માહિતી છે. હું એક જવાબદાર નાગરિક તરીકે તમને જાણ કરું છું. રાઉતે મુંબઈ પોલીસ કમિશનરને લખેલા પત્રમાં આ આક્ષેપો કર્યા હતા, જેની નકલ હોમ પોર્ટફોલિયો પણ ધરાવતા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને થાણે શહેર પોલીસને પણ મોકલવામાં આવી હતી. રાઉતના પત્ર અંગેના એક પ્રશ્ર્નના જવાબમાં પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, ” રાઉતની ફરિયાદને ગંભીરતાથી લેવી જોઈએ. કમનસીબે, આ દેશદ્રોહી ધારાસભ્યો (શિંદે કેમ્પના) પર બિલકુલ નિયંત્રણ નથી. મુંબઈના માહિમ વિસ્તારમાં તેમના એક ધારાસભ્યએ ફાયરિંગ કર્યું હતું, પરંતુ કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી.