બેંગ્લુરુ : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેએ બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને લઈને મોટું નિવેદન આપ્યું છે. પ્રિયંક ખડગેએ કહ્યું કે જો રાજ્યની શાંતિમાં ખલેલ પહોંચશે તો તેમની સરકાર બજરંગ દળ અને આરએસએસ જેવા સંગઠનો પર પ્રતિબંધ મૂકશે, જો ભાજપ નેતૃત્વને તે અસ્વીકાર્ય લાગશે તો તેઓ પાકિસ્તાન જઈ શકે છે.
પ્રિયંક ખડગેએ કહ્યું કે અમે કર્ણાટકને સ્વર્ગ બનાવવાનું વચન આપ્યું છે. જો શાંતિ ડહોળાય છે તો અમે એ પણ વિચારતા નથી કે તે બજરંગ દળ છે કે RSS. જ્યારે પણ કાયદો હાથમાં લેવામાં આવશે ત્યારે પ્રતિબંધ લાદવામાં આવશે. ઢંઢેરામાં આપેલા વચન મુજબ અમે બજરંગ દળ અને આરએસએસ સહિત કોઈપણ સંગઠન પર પ્રતિબંધ લગાવીશું. ખડગેએ કહ્યું કે જો ભાજપને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો તેમને પાકિસ્તાન જવા દો.
આ સિવાય તેમણે કહ્યું કે સરકાર હિજાબ, હલાલ કટ અને ગૌહત્યાના કાયદા પરનો પ્રતિબંધ પાછો ખેંચી લેશે. કેટલાક તત્વો કાયદા અને પોલીસના ડર વગર સોસાયટીમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આ ટ્રેન્ડ ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે. ભાજપે સમજવું જોઈએ કે લોકોએ તેમને વિપક્ષમાં કેમ બેસાડ્યા છે. અમે કહ્યું છે કે ભગવાકરણ ખોટું છે. કોંગ્રેસ બસવન્નાના સિદ્ધાંતોને અનુસરે છે, જેને બધા અનુસરી શકે છે. આ પહેલા પ્રિયંગ ખડગેએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરીને મોટો વિવાદ સર્જ્યો હતો.