સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવા વિસ્તારની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા સામે વર્ગખંડની સંખ્યા ઓછી હોવાથી વિદ્યાર્થીઓએ મેદાન, લોબી કે લેબમાં અભ્યાસ માટે બેસવાની ફરજ પડી રહી છે.
આ અંગે શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્યએ કહ્યુ હતુ કે, રાજ્યના શિક્ષણ મંત્રીના વિસ્તારમાં જ સરકારી સ્કુલની હાલત દયનીય છે તેમાં તાત્કાલિક સુધારો કરીને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી કામગીરી કરવી જોઈએ.
શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્ય રાકેશ હીરપરાએ નવા વિસ્તારની સ્કુલોની હાલત અંગે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, હાલમાં જ નવા વિસ્તારની 34 શાળાઓ શિક્ષણ સમિતિમાં મર્જ કરી છે તેમાંથી મોટા ભાગની શાળા રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયના મત વિસ્તારમાં આવે છે.
અહી પ્રાથમિક સુવિધા અને વર્ગખંડ સાથે શિક્ષકોની પણ અછત છે તેથી વિદ્યાર્થીઓ દયનીય હાલતમાં અભ્યાસ કરવા માટે મજબુર બની રહ્યાં છે. આવી સ્થિતિ છતાં પણ શાસકોના દબાણના કારણે શાળાના આચાર્યો પોતાની સમસ્યા રજુ કરી શકતા નથી તેનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યું છે. વિદ્યાર્થીઓને નડતી મુશ્કેલી અંગે રજુઆત કરે તો તેમની હેરાનગતી થાય છે.
આવા આક્ષેપ સાથે વિપક્ષી સભ્યએ વધુમાં જણાવ્યું હતું કે, આવા પ્રકારની અછત વાળી શાળાનો તાત્કાલિક સર્વે કરવામા આવે અને ઓરડા કે શિક્ષકોની ઘટ છે તે ઘટ પુરી કરવામા આવે તેની સાથે આચાર્ય અને શિક્ષકો પર રાજકીય દબાણ દુર કરવામા આવે તેવી માગણી કરવામા આવી છે.