દેશભરમાં ૩૯માં ચક્ષુદાન પખવાડિયાની ઉજવણીનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થયું છે. જેના ભાગરૂપે રાજ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ૠષિકેશભાઇ પટેલના સતત માર્ગદર્શન હેઠળ રાજ્યના નાગરિકોને ચક્ષુદાન પ્રત્યે જાગૃત તેમજ પ્રોત્સાહિત કરવા અનેકવિધ કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે.
રાજ્યના તમામ નાગરિકોને પણ કેન્દ્ર અને રાજ્ય સરકારની આ નેમ સાથે જોડાઈ ‘ચક્ષુદાન’ પ્રત્યેની ખોટી માન્યતાઓને જડમૂળથી જ ખત્મ કરવાનું છે. જ્યારે, સરકારના પ્રયાસમાં સમાજનો પ્રયાસ ભળે છે, ત્યારે વિકાસની ગતિ બમણી થઇ જાય છે, આ પખવાડિયાના કાર્યક્રમ એનું ઉત્તમ ઉદાહરણ છે.
૩૯માં ચક્ષુદાન પખવાડિયા અંતર્ગત રાજ્ય સરકાર હેઠળની એમ. એન્ડ જે. ઇન્સ્ટીટયુટ ઓફ ઓપ્થેલમોલોજી અમદાવાદ દ્વારા જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નસગ સ્ટાફ, રેસીડેન્ટ ડોક્ટર, સામાજિક કાર્યકર તેમજ ‘ઓર્ગન ડોનેશન ચેમ્પિયન’ તરીકે પ્રખ્યાત ડૉ. રાકેશ જોશી સહિત અંદાજે ૫૦૦થી વધુ પ્રાથમિક શાળાના વિધાર્થીઓ જોડાયા હતા.
આ રેલી ફોરમ પ્રાથમિક શાળા જહાંગીર પુરા સર્કલથી શરૂ થઇ હતી. જે સિવિલ હોસ્પિટલ, અસારવા સર્કલ, એમ. એન્ડ જે. આંખની સરકારી હોસ્પિટલ થઈ તેના પ્રારંભ સ્થળે સમાપ્ત કરવામાં આવી હતી. આ સમગ્ર રેલી દરમિયાન વચ્ચે આવતા આસપાસના નાગરિકો તેમજ દુકાનોમાં ‘ચક્ષુદાન’ કરવા પ્રત્યે માહિતી આપી સાથે જ, તેમણે પેમ્પલેટ અને પોસ્ટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત અમદાવાદના વિવિધ સ્થળો જેમ કે, સાબરમતી અને સેંટ ઝેવીયસ ચર્ચ, લો, પરીમલ તેમજ વિક્ટોરીયા ગાર્ડન ખાતે ઓપ્થેલ્મોલોજીનાં રેસિડેન્ટ ડોકટર દ્વારા ચક્ષુદાન માટે જાગૃત કરતા અને માહિતી આપતા પોસ્ટર અને પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાથે જ, વિદ્યાર્થીઓને ખોટી માન્યતાઓ પ્રત્યે વધુ જાગૃત કરવા આગામી સમયમાં પરસ્પર સંવાદ પણ યોજવવામાં આવશે.