ગાંધીનગર,
ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારનો કાર્યકાળ આગામી ૩૧મી જાન્યુઆરીએ પૂર્ણ થવાનો છે. ત્યારે નવા મુખ્ય સચિવ કોણ હશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ૨૫ જાન્યુઆરી બાદ જ નવા મુખ્ય સચિવનું નામ જાહેર થવાની શક્યતાઓ છે. તે ઉપરાંત સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, પંકજ કુમારને મુખ્ય સચિવ તરીકે ૬ મહિનાનું એક્સટેન્શન પણ મળી શકે છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતના મુખ્ય સચિવ તરીકે ત્રણ નામો હાલ ચર્ચામાં છે. જેમાં ખેતી પશુપાલન વિભાગના અધિક સચિવ મુકેશ પરી, ગૃહ વિભાગના અધિક સચિવ રાજકુમાર અને કેન્દ્ર સરકારમાં હાલ ડેપ્યુટેશન પર રહેલા એસ. અપર્ણાનું નામ ગુજરાતના મુખ્ય સચિવને રેસમાં લેવાઈ રહ્યાં છે. રાજકુમાર ૧૯૮૭ બેચના તો એસ.અપર્ણા અને મુકેશ પુરી ૧૯૮૮ બેચના અધિકારી છે.
૨૭ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ રાજ્ય સરકારે ૧૯૮૬ની બેચના આઈએએસ ઓફિસર પંકજ કુમારની ગુજરાતના નવા ચીફ સેક્રેટરી નિમણુંક કરી હતી. તેમણે અનિલ મુકીમની જગ્યાએ ચીફ સેક્રેટરી તરીકે ૩૧ ઓગસ્ટથી ચાર્જ સંભાળ્યો હતો. ૬ મે, ૧૯૬૨ના રોજ જન્મેલા પંકજ કુમારની ૨૫ ઓગસ્ટ, ૧૯૮૬ના રોજ આઈએએસ તરીકે વરણી થઈ હતી. તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરવાની સાથે આઈઆઈટી કાનપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગ વિષયમાં બીટેકની ડિગ્રી પણ મેળવેલી છે.
તેમણે પબ્લિક પોલિસી અને મેનેજમેન્ટ વિષય સાથે એમબીએનો પણ અભ્યાસ કરેલો છે.મૂળે પટણાના પંકજ કુમારની ગુજરાત સરકારે ૧૫ જુન, ૨૦૧૭ના રોજ એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક કરી હતી.વિદાય લઈ રહેલા ચીફ સેક્રેટરી અનિલ મુકીમ બાદ તેઓ ગુજરાત બેચના આઈએએસ ઓફિસરોમાં સૌથી વરિષ્ઠ અધિકારી છે. ગુજરાત કેડરના બીજા વરિષ્ઠ અધિકારીઓ સ્વ.ગુરુપ્રસાદ મહાપાત્ર, વિપુલ મિત્રા અને રાજીવ કુમા્ર ગુપ્તા તેમના બેચમેટ હતા. તેમનો કાર્યકાળ ૩૧ જાન્યુઆરીએ પૂર્ણ થશે.