મુંબઇ,
દેવાના બોજ અને માવઠાને કારણે પાકને થયેલા નુક્સાનથી હતાશ થઇને મરાઠવાડાના અંધારી નામના ગામમાં બે ખેડૂતોએ આપઘાત કરી લીધો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અને નાણાં પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રાજ્યનું ૨૦૨૩-૨૪ના વરસ માટેનું બજેટ ગુરુવારે વિધાનસભામાં રજુ કરે એ પહેલા જ આ ગોઝારો બનાવ બન્યો છે. આ શિંદે સરકારનું પહેલું બજેટ છે. રાજ્યના કૃષિ પ્રધાન અબ્દુલ સત્તારના ઔરંગાબાદના મત વિસ્તાર સિલ્લોડમાં ૨ અન્ન દાતાઓએ જીવ ટુકાવ્યા છે.
જગતનો તાત આવું અંતિમ પગલું ભરે એમાં કોઇ નવાઇ નથી. એક બાજુ ખેડૂતો પોતાના પાકને યોગ્ય ભાવ ન મળતો કેતરોમાં ઉભા પાકને સળગાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ કમોસમી વરસાદે દ્રાક્ષ, કેળા અને કેરીના બગીચાઓમાં વિનાશ વેર્યો છે. આમ બમણું સંકટ આવ્યું છે. માવઠાને કારણે રાજ્યના આઠ જિલ્લામાં લગભગ ૧૩,૭૨૯ હેકટર જમીનના પાકને ભારે નુક્સાન થયું છે. કમોસમી વરસાદથી ઘઉં, ડુંગળી, કેરી અને બીજા પાકને ગંભીર અસર થઇ છે.
અહમદનગરના ખેડૂતોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ડુંગળીનું પાર્સલ મોકલી એવી રજુઆત કરી છે કે અમને ડુંગળી ના ભાવોમાં રાહત મળે એવા પગલાં લો. યેવલા તહેસીલના ખેડૂતોને બજારમાં ડુંગળીના સારા ભાવ ન મળતા એમણે હોળી ટાંકણે ર પોતાના ખેતરોમાં ડુંગલીના ઉભા પાકને આગ ચાંપી દીધી હતી.
ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષે સંકટમાં મુકાયેલા ખેડૂતોને તત્કાળ રાહત પેકેજ આપવાની સરકાર સમક્ષ માગણી મૂકી હતી. કોંગ્રેસના વિધાનસભ્ય નાના પટોલેએ આ સંબંધમાં સભામોકુફીની દરખાસ્ત રજુ કરી હતી. જેને સ્પીકર રાહુલ નાર્વેકરે વિરોધ પક્ષોના સભ્યોએ ગૃહમાં ગોેકીરો કર્યો હતો. પછી શિંદે સરકારને ખેડૂતો વિરોધી ગણાવી વિપક્ષી નેતા અજિત પવારની આગેવાનીમાં બધા વિધાનસભામાંથી વોકઆઉટ કરી ગયા હતા.