
મોરબી,
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મામલે હાઈકોર્ટે લીધેલી સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. અગાઉ હાઈકોર્ટના આદેશ પર રાજ્ય સરકારે સોગંધનામુ રજૂ કર્યુ હતુ. રાજ્યના તમામ બ્રિજની હાલતને લઈને હાઈકોર્ટમાં માહિતી આપી હતી.
શહેરી વિસ્તારમાં આવેલા બ્રિજના નીતિ નિયમો મામલે પણ રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો. રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગે નવી પુલ નીતિ જાહેર કરી હતી. જેમા પુલના નીતિ નિયમો મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો. રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને સત્તામંડળો માટે નવી પુલ નીતિ જાહેર કરવામાં આવી. પુલ નાળાની જાળવણી માટે રાજ્ય સરકારે નવી માર્ગદશકા જાહેર કરી છે.
રાજ્યના દરેક પુલ અને નાળાની જાળવણી માટે રાજ્ય સરકારે નવી માર્ગદશકા જાહેર કરી છે. જેમા રાજ્યભરના તમામ પુલ-નાળાનું વર્ષમાં બે વાર ઈન્સપેક્શન કરવામાં આવશે. ચોમાસા પહેલા મે મહિનામાં અને ચોમાસા બાદ ઓક્ટોબર મહિનામાં ઈન્સપેક્શન કરવામાં આવશે. પુલ-નાળાના નિરીક્ષણ અને સમીક્ષા અંદે અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે. સમયાંતરે અધિકારીઓએ પુલ-નાળાનું ફરજિયાત નિરીક્ષણ કરવુ પડશે. અધિકારીઓ અને સત્તાધિશોએ કામગીરીનો રિપોર્ટ રજિસ્ટર કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે મોરબી ઝુલતો પૂલ તૂટ્યા બાદ હાઈકોર્ટમાં રાજ્યના બ્રિજોની સ્થિતિને લઈને સુનાવણી ચાલી રહી છે. જેમા હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે રાજ્યમાં જેટલા પણ માઈનોર અને મેજર બ્રિજ આવેલા છે તેની સંપૂર્ણ તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કરવામાં આવે. જેમા રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામામાં મહત્વપૂર્ણ ખૂલાસો કરવામાં આવ્યો હતો કે રાજ્યમાં કુલ ૬૩ બ્રિજ એવા છે જેમને સમારકામ કરવાની જરૂર છે.