રાજ્યમંત્રીએ મહેમદાવાદના જાળીયા ગામે મધમાખી ઉછેર કરતા ખેડુતોની મુલાકાત લઈ તેમની કામગીરીને બિરદાવી

સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્ર્વકર્માએ ખેડા જીલ્લાના મહેમદાવાદ તાલુકામાં જાળીયા ગામે મધમાખી ઉછેર કરતા ખેડુતોની મુલાકાત લઈ મધપાલન ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડુતોને પ્રોત્સાહિત કર્યા હતા. મંત્રીએ ખાસ કરીને જાળીયા ગામના મધ ઉછેર પ્રવૃતિ કરતા યુવા ખેડુત અર્જૂનભાઈ સાથે ચર્ચા કરી તેમની કામગીરીને બિરદાવી હતી.

મંત્રીએ આ પ્રંસગે ખેડુતો સાથે સંવાદ કરી મધપાલન ઉછેર સાથે સંકળાયેલી મધઉછેર પદ્ધતિ, મધપાલનના ફાયદા, મધપેટીની હેરફેર, મધનું વેચાણ-બજાર અને મધના આરોગ્યમાં લાભ સહિતની બાબતો વિશે જાણકારી મેળવી હતી. સાથે જ હનિ પ્રોસેસ પ્લાન્ટ અને મધપેટી કામગીરીનુ ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યુ હતુ.

નોંધનીય છે કે, જાળીયા ગામના ખેડુતોએ વન સ્પુન હની નામનો એફપીઓ બનાવ્યો છે. જેમાં આજે 300 થી વધુ ખેડુતો જોડાયા છે તથા તમામ ખેડુતોએ બાગાયત ખાતાની મધમાખી ઉછેર માટે સહાય લીધેલ છે.

આ પ્રસંગે મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, નાયબ બાગાયત નિયામક સ્મિતાબેન પિલ્લાઈ, જીલ્લા રજીસ્ટ્રાર સ્તુતિ રાવલ, અગ્રણી અજય બ્રહ્મભટ્ટ, ખેડા મધ્યસ્થ બેન્કના ચેરમેન તેજસ પટેલ સહિત બાગાયત ખાતાના અધિકારીઓઅને જાળીયા ગામના ખેડુતો હાજર રહ્યા હતા.