ગાંઘીનગર, ગુજરાતમાં ઉનાળાના આરંભ પહેલા જ પાણીના જથ્થાને લઈને સમસ્યા જોવા મળી. એકબાજુ ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે રાજ્યના જળાશયોમાં સરેરાશ ૬૨.૩૮ ટકા જળસ્તર નોંધાયું. રાજ્યના ૧૩૮ જળાશયોમાં ૫૦% થી પણ ઓછું જળસ્તર જોવા મળ્યું. જ્યારે ૯૦ ટકાથી વધું જળસ્તર ધરાવતા જળાશયો માત્ર ૨ જ છે. અને રાજ્યના ૩૬ જળાશયોનું જળસ્તર ૧૦ ટકા કે તેથી ઓછું છે. તેમજ ૬૮ જળાશયોમાં પાણીનો જથ્થો ૨૦ ટકા કે તેનાથી ઓછો નોંધાયો છે. જો કે સૌથી વધારે સૌરાષ્ટ્ર અને જીવાદોરી સમાન સરદાર સરોવરના જળાશયોમાં પાણીનું જળસ્તર છે.
રાજ્યમાં પ્રદેશ સ્થિતિ મુજબ કુલ ૨૦૭ જળાશયોમાં સામાન્ય રીતે સરેરાશ ૬૨.૩૮ ટકા જેટલું જ જળસ્તર છે. ઉત્તરગુજરાતમાં ૧૫ જળાશયોમાં ૪૩.૭૭ ટકા જળસ્તર છે. મય ગુજરાતમાં ૧૭ જળાશયોમાં ૬૮.૦૫ ટકા જળસ્તર અને દક્ષિણમાં ૧૩ જળાશયોમાં ૬૮.૯૬ ટકા જળસ્તર જોવા મળ્યું છે. આ સિવાય કચ્છમાં ૨૦ જળાશયોમાં ૩૮.૩૧ ટકા અને સરદાર સરોવરમાં ૬૬.૭૫ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૧૪૧ જળાશયોમાં ૩૬.૪૨ ટકા જળસ્તરનું પ્રમાણ જોવા મળ્યું. તાજેતરમાં જળાશયની સ્થિતિને લઈને કરવામાં આવેલ સર્વેમાં ૮૦ થી ૯૦ ટકા જળસ્તર ધરાવનાર ૮ જળાશયો છે અને ૯૦ ટકાથી વધુ જળસ્તર ધરાવનાર બે જળાશયો છે. અને ૭૦ થી ૮૦ ટકા વચ્ચે જળસ્તર ધરાવનાર ૮ જળાશયો છે. રાજ્યમાં વરસાદ સરેરાશ પડવા છતાં જળાશયોનું સ્તર નીચું જોવા મળ્યું.
રાજ્યમાં એક સમયે બનાસકાંઠામાં સૌથી વધુ ખેતી થતી હતી. પંરતુ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તાર પાણીની સમસ્યાના અભાવે ખેતી રહિત બનવા લાગ્યો છે. બનાસકાંઠામાં ભૂગર્ભ જળસ્તર ખલાસ થઈ રહ્યું હોવાનું સ્થાનિક ખેડૂતો જણાવે છે. આ જિલ્લાના અનેક ગામોમાં ૧૦૦૦-૧૧૦૦ ફૂટ નીચું ખોદકામ કરવા છતાં પાણી મળતું નથી. અને જે પાણી મળે છે તેમાં ટીડીએસનું પ્રમાણ ૧૫૦૦ હોવાથી ખેતીમાં ઉપયોગ કરી શકાતું નથી. કારણ કે ખેતી માટે પાણી માં ટીડીએસનું પ્રમાણ ૭૫૦ કરતા ઓછું હોય તો જ ઉપયોગમાં લઈ શકાય છે. ભૂગર્ભજળ ના મળવાના પરિણામે ખેતી કરવા માટે વરસાદી પાણીનો ઉપયોગ કરવા ખેડૂતો ખેત તલાવડી બનાવી સંગ્રહ કરવા લાગ્યા છે. પાણીની સમસ્યાના પગલે ખેડૂતો વધુ પાક ના લઈ શક્તા તેમની જમીન સોલાર પાર્ક માટે ભાડે આપવા લાગ્યા છે.