અમદાવાદ, રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ૪૧ ડિગ્રીને પાર થયુ છે. તેમજ ૯ શહેરોમાં તાપમાન ૪૧ ડિગ્રી પાર નોંધાયું છે. સૌથી વધુ તાપમાન અમરેલીમાં ૪૨.૨ ડિગ્રી રહ્યું છે.ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી છે. પોરબંદર, ભાવનગર, જૂનાગઢમાં હીટવેવની આગાહી છે. તેમજ અમદાવાદમાં ૪૧.૬ ડિગ્રી તથા ગાંધીનગરમાં ૪૦ ડિગ્રી તાપમાન છે.
વલ્લભ વિદ્યાનગરમાં ૪૧.૪, વડોદરામાં ૪૧.૫ ડિગ્રી તથા કંડલામાં ૪૧.૧ ડિગ્રી, અમરેલીમાં ૪૨.૨ ડિગ્રી તેમજ રાજકોટમાં ૪૧.૫ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૧.૮ ડિગ્રી અને મહુવામાં ૪૦.૨ ડિગ્રી, કેશોદમાં ૪૧.૦ ડિગ્રી તાપમાન રહ્યું છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તેમાં પોરબંદર, ભાવનગર, જૂનાગઢમાં હીટવેવની આગાહી છે. વાતાવરણમાં પલટા પછી ફરી એકવાર સમગ્ર રાજ્ય ગરમીમાં શેકાવા લાગ્યું છે. તાપમાનનો પારો સતત વધતો જઇ રહ્યો છે.
હવામાન નિષ્ણાતો હજુ વધારે ગરમી પડવાની આગાહી કરી રહ્યા છે. રાજ્યના ૧૦ શહેરોમાં આકરી ગરમી પડવાની આગાહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે ૨૫ એપ્રિલ સુધી હિટવેવ રહેશે. અને સામાન્ય કરતા ૨ ડિગ્રી વધુ તાપમાન રહેશે.રાજકોટમાં હિટવેવનાં કેસ વધતા સિવિલ હોસ્પિટલનાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. સિવિલ હોસ્પિટલમાં ૨૫ બેડ સાથેનો વોર્ડ તૈયાર કરાયો છે. ડોક્ટર અને પેરા મેડિકલ સ્ટાફ સાથે પીએમએસએસવાય બિલ્ડીંગમાં વ્યવસ્થા કરાઈ છે. સિવિલ અધિક્ષકે લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. ગરમીના સમયમાં વૃદ્ધો, બાળકો અને સગર્ભાઓને બહાર નહીં નીકળવા અપીલ કરી છે. આ સાથે જ બહારના ઠંડાપીણાથી દુર રહેવા અપીલ કરી છે. ભારતમાં હીટવેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે. હવે તો માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે. પરંતું તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહિ આવે.