અમદાવાદ,
રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાયતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઠંડા અને સૂકા પવન ફૂંકાતા વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે. જોકે, બપોર થતાં જ આકરો તાપ લાગે છે અને બેવડી ૠતુનો અહેસાસ થાય છે. જોકે, હવે તો ધીમે-ધીમે તાપમાન ઘટતું થશે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં લઘુતમ તાપમાન ૩થી ૪ ડીગ્રી ઘટી ગયું છે. અમદાવાદ શહેરમાં એક સપ્તાહ પહેલા ૧૭.૬ ડીગ્રી તાપમાન હતું, જે ઘટીને અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૪.૫ ડીગ્રી નોંધાયું છે. આજે વહેલી સવારે અમદાવાદ શહેરમાં ઠંડા પવનો ફૂંકાયા છે અને લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનનો ફૂંકાયા છે. જ્યારે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. આગામી ૪થી ૫ દિવસ તાપમાન પણ યથાવત રહેશે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ૧૫થી ૨૦ નવેમ્બર સુધીમાં તાપમાનમાં અચાનક ઘટાડો નોંધાશે અને ઠંડીની શરૂઆત થઈ જશે. જોકે, રાજ્યોમાં લઘુતમ તાપમાન ધીમે-ધીમે ઘટી રહ્યું છે. વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સાથે જ ડિસેમ્બર મહિનાના પહેલા સપ્તાહથી જ કાતિલ ઠંડીની શરૂઆત થઈ જશે. ડિસેમ્બરથી ૧૦ જાન્યુઆરી સુધી ઠંડીનું જોર યથાવત રહેશે.
ગાંધીનગરનું લઘુતમ તાપમાન ૧૩.૨ ડીગ્રી નોંધાયું અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૪.૫ ડિગ્રી નોંધાયું છે. અમરેલી તાપમાન ૧૪.૪ ડીગ્રી, વડોદરાનું લઘુતમ તાપમાન ૧૪.૪ ડીગ્રી, ડીસાનું લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રી નોંધાયું છે. રાજકોટનું લઘુતમ તાપમાન ૧૬.૭ ડીગ્રી, ભાવનગરનું લઘુતમ તાપમાન ૧૬.૬ ડિગ્રી, ભુજનું લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રી નોંધાયું છે. જ્યારે દ્વારકાનું લઘુતમ તાપમાન ૨૨.૩ ડિગ્રી નોંધાયુ છે. કંડલાનું લઘુતમ તાપમાન ૧૮.૮ ડીગ્રી, નલિયાનું લઘુત્તમ તાપમાન ૧૬.૪ ડીગ્રી, સુરતનું લઘુતમ તાપમાન ૨૦.૬ ડિગ્રી અને વેરાવળનું લઘુતમ તાપમાન ૧૯.૬ ડીગ્રી નોંધાયું છે.