
અમદાવાદ, કચ્છમાં તાપમાનનો પારો આજે ગગડયો હતો અને રાજ્યમાં મૌસમનું સૌથી નીચું તાપમાન નલિયામાં ૫.૧ સે. નોંધાયું છે. જ્યારે ભૂજ અને કંડલા એરપોર્ટ ઉપર પણ પારો ૧૨ સે.નીચે ઉતર્યો હતો. રાજ્યમાં આજે રાત્રિથી સવાર ઠંડી જારી રહી હતી અને મૌસમ વિભાગ અનુસાર બે દિવસ બાદ મકરસંક્રાંતિ પર્વ ટાણે ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. જો કે આકાશ એકંદરે ચોખ્ખુ રહેશે અને પવનની ઝડપ જારી રહેશે.
આજે ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટક્યું છે અને હજુ આવો પશ્ર્ચિમી વિક્ષોભ તા. ૧૬ આસપાસ ત્રાટકવાની શક્યતા છે જેના પગલે મૌસમ વિભાગે કાશ્મીર સહિત સ્થળે બરફ વર્ષા થવાની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે બરફવર્ષાનું પ્રમાણ ઓછું રહ્યું છે અને ગુજરાતમાં ઉત્તર-પૂર્વના પવન છતાં હજુ એક પણ વખત શીતલહર આવી નથી.
આજે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડી રાજકોટમાં ૧૨.૯ સે.નોંધાઈ હતી જ્યારે સુરેન્દ્રનગર, જુનાગઢમાં ૧૪.૫, કેશોદ અને અમરેલીમાં ૧૫, દ્વારકામાં ૧૫.૬, વેરાવળ ૧૮.૯, દિવમાં ૧૮, મહુવા ૧૭.૩ સે. સાથે ગુલાબી ઠંડી રહી હતી પરંતુ, આજે બપોરનું તાપમાન અમરેલી, રાજકોટ, પોરબંદર, વેરાવળ, દિવ, સુરેન્દ્રનગર, કેશોદ સહિત મોટાભાગના સ્થળોએ ૩૦ સે.ને પાર થઈ જતા જલ્દી નહીં મટતા વાયરલ શરદી-ઉધરસના કેસોમાં વધારો જારી રહ્યો છે.
ગુજરાતમાં સૌથી નીચું તાપમાન ડીસા ખાતે ૧૧.૨ જ્યારે અમદાવાદ ૧૬.૪, વડોદરા ૧૭.૬ અને સુરતમાં ૧૯.૨ સે.તાપમાને સામાન્ય ઠંડી રહી હતી. ભારતીય કેલેન્ડર મૂજબ આવતીકાલે સૌથી વધુ ઠંડી સામાન્ય રીતે જે માસમાં પડતી હોય છે તે પોષ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતને અલનીનો અને ગ્લોબલ વોમગની તીવ્ર અસર વર્તાઈ રહી છે જેના કારણે શિયાળો અપસેટ રહે છે. એકધારી કે તીવ્ર ધ્રુજાવી દેતી ઠંડી પડતી નથી.