- શિવકુમારે દાવો કર્યો હતો કે રાજ્યના દરેક વર્ગના લોકો ભાજપ સરકારથી નારાજ છે.
બેંગ્લુરુ,
ભાજપ માટે સૌથી મોટો પડકાર હાલમાં કર્ણાટક છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદી આ રાજ્યની ચૂંટણી પર સીધી નજર રાખી રહ્યાં છે. રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે દાવો કર્યો છે કે સર્વેક્ષણમાં કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ કુલ ૨૨૪ બેઠકોમાંથી ૧૪૦ થી વધુ બેઠકો જીતશે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ૬૫ બેઠકો પર વિજેતા બનશે. આ વખતે તે વધુ જીતી શકશે નહીં અને તેની સીટો ઘટીને ૪૦ સુધી પણ પહોંચી શકે છે. શિવકુમારે દાવો કર્યો હતો કે રાજ્યના દરેક વર્ગના લોકો ભાજપ સરકારથી નારાજ છે.
તેમણે કહ્યું, “અમને કેટલી બેઠકો મળશે તે અંગે અમે ગેરંટી આપી શકીએ છીએ. અમે ખાતરી આપી શકીએ છીએ કે ભાજપની બેઠકો ૬૫થી વધુ નહીં હોય. ભાજપ જે કંઈ કહે છે કે કરે છે તે તેમનો આંતરિક મામલો છે. યેદિયુરપ્પાએ તેમની ગણતરી મુજબ કંઈક કહ્યું છે, હું તેમની પાર્ટી વિશે બોલવા માંગતો નથી.’ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા યેદિયુરપ્પાએ તાજેતરમાં દાવો કર્યો હતો કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં શાસક પક્ષ ૧૪૦થી વધુ બેઠકો જીતશે.
શિવકુમારે પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપ ગમે તે કરે, પરંતુ આ વખતે તેની બેઠકોની સંખ્યા ૬૦-૬૫થી આગળ નહીં વધે. મારા મત મુજબ, જો ભાજપની બેઠકો ઘટીને ૪૦ પર પણ આવી જાય તો આશ્ર્ચર્ય થશે નહીં. કોંગ્રેસના કર્ણાટક એકમના અધ્યક્ષ ડીકે શિવકુમારે મંગળવારે દાવો કર્યો હતો કે પાર્ટીના સર્વે અનુસાર, તેમને રાજ્યમાં કુલ ૨૨૪ વિધાનસભા બેઠકોમાંથી ૧૪૦થી વધુ બેઠકો જીતે તેવી સંભાવના છે.
હાલમાં અમિત શાહ કર્ણાટકની જવાબદારી ઉઠાવી રહ્યાં છે. જેઓ સતત કર્ણાટકની મુલાકાત લઈ રહ્યાં છે. ભાજપ કર્ણાટકા બચાવવા માટે મરણિયા પ્રયાસો કરશે. લોક્સભા પહેલાં ભાજપનો મોટો ટાર્ગેટ દક્ષિણ ભારત છે. દક્ષિણ ભારતમાં ભાજપના પગપેસારા માટે કર્ણાટક એ અતિ અગત્યનું રાજ્ય છે. હાલમાં ભાજપની સરકાર છે. રાજ્યમાં એન્ટિઈક્ધમ્બસીનો માહોલ છતાં સરકાર કોઈ પણ ભોગે અહીં વિજેતા બનવા માટે માસ્ટરપ્લાન ઘડી રહી છે.
કર્ણાટક કોંગ્રેસના વડાએ દાવો કર્યો હતો કે જ્યારે તેમના અગાઉના સર્વેમાં કોંગ્રેસને ૧૩૬ બેઠકોની આગાહી કરવામાં આવી હતી, તાજેતરના સર્વેમાં ૧૪૦થી વધુ બેઠકોની આગાહી કરવામાં આવી છે. ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે ૨૨૪-સભ્યોની વિધાનસભામાં ૧૦૪ બેઠકો જીતી હતી, અને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી, જ્યારે કોંગ્રેસ અને જેડી એસ પાસે અનુક્રમે ૮૦ અને ૩૭ બેઠકો હતી. જો કે પછીના દિવસોમાં ભાજપને વિધાનસભામાં બહુમતી મળી, કારણ કે ઘણા કોંગ્રેસ અને જેડી(એસ) ધારાસભ્યોએ ભગવા પાર્ટી જોઈન કરી લીધી હતી. ઉમેદવારોની પસંદગી માટેની પાર્ટીની પ્રક્રિયાના ભાગ રૂપે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક અંગેના એક પ્રશ્ર્નના જવાબમાં શિવકુમારે કહ્યું, આજે એક બેઠક પણ છે, અમે લગભગ ૭૫ ટકા પ્રક્રિયા પૂર્ણ કરવાના તબક્કે પહોંચી ગયા છીએ, આજે અમે તેને પૂર્ણ કરીશું.