અમદાવાદ,રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગઈકાલે રાજ્યના ૭ શહેરોનું તાપમાન ૪૦ ડિગ્રીને પાર થઈ ગયું. જેમાં સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું છે. અમદાવાદમાં સૌથી વધુ તાપમાન ૪૧ ડિગ્રી નોંધાયું છે. એવું પ્રથમ વાર બન્યું છે કે ૧ માર્ચથી ૧૦ એપ્રિલ દરમિયાન અમદાવાદનું તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચ્યું હતુ.
આ પહેલા વર્ષ ૨૦૨૦માં ૫ એપ્રિલે ૪૦.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં ગરમ સૂકા પવનોની અસરથી ગરમીનું પ્રમાણ વયું છે. અન્ય શહેરોની વાત કરીએ તો, ગાંધીનગરમાં ૪૦.૫, અમરેલીમાં ૪૦.૪, વડોદરામાં ૪૦.૨, સુરત અને દાદરાનગરહવેલીમાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ગરમી વધવાની આગાહી અંગેના અહેવાલ વહેતા થયા હતા. જોકે હાલ તો ગુજરાતમાં વરસાદની વકી છે જોકે હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હાલમાં તો હીટ વેવ અને યલો એલર્ટ અંગેની કોઈ આગાહી નથી. જોકે વરસાદના કારણે વાતાવરણમાં ફેરફાર નોંધાઈ શકે છે.
આ પહેલા પણ ગુજરાતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી ચુક્યો છે. સમગ્ર માર્ચ મહિના દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોએ મહામહેનતથી પકવેલા પાકમાં નુક્સાન થયુ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘઉં, લસણ અને ડુંગળી સહિતના પાકને નુક્સાન થયુ છે. ખેડૂતોને થયેલા નુક્સાન સામે ગુજરાત સરકારે સહાયની પણ જાહેરાત કરી છે.